



મહેસાણા, 26 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગામ ખાતે ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ અને પાટીદાર સમાજ દ્વારા આયોજિત શતચંડી મહાયજ્ઞના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો ‘વિકાસ સાથે વિરાસત’નો મંત્ર જ વિકસિત ભારતનો સાચો માર્ગ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ધર્મ સાથે વિજ્ઞાનનું સંતુલન રહેશે તો કોઈપણ મુકામ હાંસલ કરી શકાય છે. તેમણે રામ મંદિરના નિર્માણ બાદ દેશભરમાં ફેલાયેલી નવી ઊર્જાને ગુજરાતના વિકાસ સાથે જોડીને જણાવ્યું કે વિકસિત ભારતનું સ્વપ્ન વિકસિત ગુજરાત થકી જ સાકાર થશે.
તેમણે સરકારના ફળદાયી પ્રયાસો અને ઝોન-વાઇઝ વાઇબ્રન્ટ કોન્ફરન્સની પહેલ અંગે જણાવ્યું કે તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં યોજાયેલી કોન્ફરન્સથી ત્રણ લાખ કરોડથી વધુનું રોકાણ અને 1200થી વધુ એમઓયુ થયા છે.
આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલે ધાર્મિક સંસ્કારો જાળવવાની મહત્વતા પર ભાર મૂક્યો હતો, જ્યારે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ઉમિયા માતાના યજ્ઞને આવનારી પેઢીને સનાતન ધર્મ તરફ પ્રેરિત કરનાર ગણાવ્યો હતો. કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR