


મહેસાણા, 26 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામ અને આસપાસના વિસ્તારોમાં પડેલા અચાનક માવઠાએ ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. તહેવારોના સમયગાળામાં પડેલા આ વરસાદથી કપાસ, જુવાર અને એરંડાના પાકને ભારે અસર થઈ છે.
ખેડૂતો જણાવે છે કે કપાસની વીણી શરૂ થઈ ગઈ હતી, પરંતુ વરસાદ પડતાં ખેતરમાં રહેલો કપાસ ભીનો થઈ ગયો છે અને રૂ પીળું પડી ગયું છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો કપાસના છોડમાંથી નવા અંકુર નીકળવાની શક્યતા છે, જેનાથી આખો પાક બગડી શકે છે.
જુવારના ખેતરોમાં પણ પડેલા પૂડા પલળી જતાં ચારો નષ્ટ થવાનો ખતરો છે, જ્યારે એરંડાના પાકને પણ મોટું નુકસાન થયું છે. આ વર્ષ દરમિયાન અનેક વાર વરસાદથી એરંડાનો પાક બગડ્યો હતો, અને હવે ફરી પડેલા માવઠાથી ચોથી વખત પણ ખેડૂતોને નિરાશા થઈ છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં હળવા વરસાદની આગાહી કરી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધુ વધી છે. નાના અને મધ્યમ સ્તરના ખેડૂતો પાક સાચવી શકતા નથી, અને ખેતરોમાં પાણી ભરાઈ જતાં વધુ નુકસાનની શક્યતા ઉભી થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR