સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતના સપનાં ધોઈ નાખ્યાં: ડાંગરનો પાક પલળી જતા ભારે નુકસાન
સુરત, 26 ઓક્ટોબર (હિ.સ.): સુરત જિલ્લામાં અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર જાણે પાણી ફેરવી દીધું છે. ઓલપાડ તાલુકાના અનેક ખેડૂતો પોતાનો ડાંગરનો પાક લઈને સુરત શહેરના જહાંગીરપુરા સ્થિત જિનિંગ મિલની બહાર 15થી 18 કલાક સુધી રાહ જોઈ રહ્યાં હતાં.
Surat


સુરત, 26 ઓક્ટોબર (હિ.સ.): સુરત જિલ્લામાં અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર જાણે પાણી ફેરવી દીધું છે. ઓલપાડ તાલુકાના અનેક ખેડૂતો પોતાનો ડાંગરનો પાક લઈને સુરત શહેરના જહાંગીરપુરા સ્થિત જિનિંગ મિલની બહાર 15થી 18 કલાક સુધી રાહ જોઈ રહ્યાં હતાં. પાકને સુરક્ષિત રાખવા માટે તાલપત્રી ઢાંકી હતી, છતાં ભારે વરસાદે આખો પાક પલળી ગયો.

રાત્રે ખેડૂતોએ પાકને ગોદામમાં મૂકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગેટ ન ખુલી શકતાં તેઓ ટ્રેક્ટર સાથે બહાર જ અટવાઈ ગયા. વરસાદના તોફાનમાં તાલપત્રીની રક્ષા નબળી પડી, પાણી બાજુથી અને નીચેથી ઢગલામાં પ્રવેશી ગયું. થોડી જ વારમાં ડાંગરનો પાક પાણીમાં તરતો થયો.

એક વૃદ્ધ ખેડૂતે આંખોમાં આંસુ સાથે કહ્યું: “આટલા દિવસો મહેનત કરી, ખર્ચ કર્યો, તાલપત્રી ઢાંકી... છતાં કુદરત સામે શું કરવું? બધું બગડી ગયું.”

મંડળીઓએ ભીંજાયેલો પાક સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, કારણ કે નિયમ મુજબ ભેજવાળો ડાંગર લેવો મનાઈ છે. હવે ખેડૂતોને આ પલળેલો પાક ફરીથી ગામમાં લઈ જઈ સૂકવવાનો રહેશે — જેના કારણે તેમને વધારાનો ખર્ચ અને સમય બન્નેનો માર સહન કરવો પડશે.

ગુણવત્તા ઘટવાથી પાકના ભાવ પણ ઘટી જશે, એટલે ખેડૂતોને આ વર્ષે ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતાં, જગતના તાત માટે આ વરસાદ કુદરતી આપત્તિ સાબિત થયો છે. હવે ખેડૂતોએ સરકાર પાસેથી સર્વે અને વળતરની માંગ ઉઠાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande