
ગાંધીનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય ફેશન ટેક્નોલોજી સંસ્થાન (નિફ્ટ), ગાંધીનગરના ડિરેક્ટર ડૉ. સમીર સૂદને ન્યૂ દિલ્હી સ્થિત ઈન્ડિયા હેબિટેટ સેન્ટરમાં યોજાયેલ સમારંભ દરમિયાન પ્રતિષ્ઠિત “અશોકા એવોર્ડ 2025”થી સન્માનિત કરવામાં આવ્યા છે. ફેશન, એપેરલ (વસ્ત્ર ઉદ્યોગ) અને સસ્ટેનેબિલિટી ઈનોવેશન ક્ષેત્રે તેમના અદભૂત યોગદાન બદલ તેમને આ સન્માન અપાયું છે.
ચાર્લ્સ વોલ્ટર્સ સોસાયટી ફોર ઈનોવેશન એન્ડ રિસર્ચ (CWSIR) તથા એસોસિએશન ઓફ ઈન્ડિયા બ્યુરોક્રેટ્સના સંયુક્ત ઉપક્રમે સ્થાપિત “અશોકા એવોર્ડ” એ સમ્રાટ અશોકની ભાવનાને પ્રતિબિંબિત કરનાર એવા વ્યક્તિઓને સમર્પિત છે, જેઓ સમાજના વિકાસ માટે અવિરત નેતૃત્વ, સમર્પણ અને પ્રભાવશાળી કાર્ય દ્વારા ઉદાહરણ પૂરું પાડે છે. આ એવોર્ડ પત્રકારિતા, સામાજિક કાર્ય, ન્યાયપાલિકા, સશસ્ત્ર દળો, બ્યુરોક્રેસી, વહીવટી નીતિનિર્માણ અને જાહેર સેવા જેવા અનેક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતાનો સન્માન કરે છે.
આ વર્ષે ડૉ. સૂદની પસંદગી 200 પ્રતિષ્ઠિત ઉમેદવારોમાંથી નિષ્ણાત જ્યુરી દ્વારા કરવામાં આવી હતી. તેમણે ભારતના ફેશન, એપેરલ અને હસ્તકલાના ક્ષેત્રોને મજબૂત બનાવવા માટે કરેલા પાયાભૂત કાર્યો બદલ આ સન્માન પ્રાપ્ત કર્યું છે.
તેમના માર્ગદર્શન હેઠળ, નિફ્ટ ગાંધીનગરે નવીનતા, સસ્ટેનેબિલિટી અને ક્ષમતા વિકાસને પ્રોત્સાહન આપતાં અનેક ઉપક્રમો શરૂ કર્યા છે, જે ટેક્સટાઈલ અને ડિઝાઇન ઈકોસિસ્ટમને વધુ સશક્ત બનાવી રહ્યા છે.
આ અવસરે CWSIRના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે “અશોકા એવોર્ડ” એ એવા વ્યક્તિઓ માટેની પ્રશંસાનું પ્રતિક છે, જેમના નવીન વિચારો, કરુણાભાવ અને સકારાત્મક પરિવર્તન માટેની પ્રતિબદ્ધતાએ સમાજને પ્રેરણા આપી છે.
ચાર્લ્સ વોલ્ટર્સ સોસાયટી ફોર ઈનોવેશન એન્ડ રિસર્ચ (CWSIR) એ સ્વતંત્ર સંસ્થા છે, જે વિજ્ઞાન, ટેક્નોલોજી, શૈક્ષણિક ક્ષેત્રો અને સાહિત્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં સંશોધન, નવીનતા અને માનવ સંસાધન વિકાસને પ્રોત્સાહન આપે છે. “અશોકા એવોર્ડ” તેના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક છે, જે ખાસ કરીને એવા વ્યાવસાયિકો અને પ્રશાસકોને સમર્પિત છે, જેમણે સમાજ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
હાલમાં ડૉ. સમીર સૂદ ભારત સરકારના કાપડ મંત્રાલય હેઠળ સેવા બજાવી રહ્યા છે, જ્યાં તેઓ નીતિ ઘડતર અને સંસ્થાગત મજબૂતિકરણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે, જેથી ભારતના ફેશન અને હસ્તકલા ઉદ્યોગોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવામાં મદદ મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ