
પાટણ, 26 ઓક્ટોબર (હિ.સ.) : ડાયનેમિક ફાઉન્ડેશન અમદાવાદ સંચાલિત ડાયનેમિક કેરિયર એકેડમી, પાટણ દ્વારા માધવ ફાર્મ હાઉસ ખાતે પાટણ લેઉવા પાટીદાર સમાજના સરકારી સેવામાં નવનિયુક્ત થયેલા 10 કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સમારોહના અધ્યક્ષ તરીકે પાટણના નાયબ બાગાયત નિયામક મુકેશભાઈ ગાલવાડીયા અને મુખ્ય મહેમાન તરીકે ઈડરના મામલતદાર પૂજાબેન જોષી હાજર રહ્યા હતા, જ્યારે શેઠ એમ.એન. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ધનરાજભાઈ ઠક્કર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સમાજના વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસા નૃત્ય સાથે કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો વિધિવત આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડાયનેમિક ફાઉન્ડેશનના બી.કે. પટેલે મહાનુભાવો, હોદ્દેદારો અને સમાજ સેવા કરનાર આગેવાનોનું બુકે, મોમેન્ટો અને ખેસ પહેરાવી સન્માન કર્યું હતું.
તેમજ સરકારી સેવામાં નવનિયુક્ત થયેલા 10 કર્મચારીઓનું પણ ડાયનેમિક ફાઉન્ડેશન પરિવાર દ્વારા બુકે, ખેસ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બી.કે. પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, પાટણના લેઉવા પાટીદાર સમાજના યુવાનો સરકારી સેવામાં જોડાઈ શકે તે માટે ઓગસ્ટ 2019માં ડાયનેમિક કેરિયર એકેડમીની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં એકેડમીમાં 60 થી વધુ વિદ્યાર્થીઓ યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરતા હતા, પરંતુ કોવિડ દરમિયાન ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની ફરજ પડી હતી.
તેમણે સમાજના યુવાનોને યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાઓમાં સફળતા મેળવવા એકેડમી સાથે જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા. સમારોહમાં હાજર એક વિદ્યાર્થિનીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, ડાયનેમિક કેરિયર એકેડમીની સતત માર્ગદર્શન અને પ્રેરણાથી તેમને સફળતા મળી છે અને તેમણે બી.કે. પટેલ તથા એકેડમીનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ