
અમરેલી, 26 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના રાજુલા પોલીસને મોટી સફળતા મળી છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સોર્સના આધારે ઉકેલી લેવામાં આવ્યો છે. પોલીસે ચોરીમાં સામેલ ચાર આરોપીઓને પકડી પાડ્યા છે તથા તેમની પાસેથી ચોરાયેલ મુદામાલ પણ કબજે કર્યો છે.
પોલીસ સૂત્રો મુજબ, થોડા સમય પહેલાં રાજુલા શહેરમાં એક ઘરમાંથી દાગીના, રોકડ રકમ અને કિંમતી ઇલેક્ટ્રોનિક સામાનની ચોરી થઈ હતી. ઘટના બાદ પોલીસ ટીમે ટેક્નિકલ સર્વેલન્સ તથા ગુનાહિત રેકોર્ડ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવા તથા મોબાઈલ લોકેશનના આધારે પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
આરોપીઓ પાસેથી ચોરી કરેલો મુદામાલ – જેમાં દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે – કબજે કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ અન્ય વિસ્તારોમાં પણ ચોરીઓમાં સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાજુલા પોલીસના આ સફળ અભિયાનની સ્થાનિક લોકો અને ઉચ્ચ અધિકારીઓએ પ્રશંસા વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai