
પાટણ, 26 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે શ્રી બાવન ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા ત્રીસમો ઇનામ વિતરણ અને સ્નેહમિલન સમારોહ યોજાયો. આ કાર્યક્રમ સમાજના સર્વાંગી વિકાસ અને એકતાનું પ્રતિક બની રહ્યો.
આ સમારોહમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને પોતાના પ્રેરણાદાયી શબ્દો દ્વારા યુવાનોને ઉત્સાહિત કર્યા અને સમાજના વિકાસ માટે એકતા અને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો.આ અવસરે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું, જેઓએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમાજનું ગૌરવ વધાર્યું. તેમની સિદ્ધિઓને બિરદાવતા સમાજના આગેવાનો અને વડીલોએ યુવાનોને વધુ મહેનત અને સમર્પણ સાથે આગળ વધવા પ્રોત્સાહન આપ્યું.
તે ઉપરાંત ગ્રેજ્યુએટ પુત્રવધૂઓનું સન્માન કરવામાં આવ્યું, જે સમાજમાં સ્ત્રી શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને પ્રગતિનો ઉત્તમ સંદેશ આપે છે. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં શિક્ષણ, એકતા અને સમર્પણના મૂલ્યોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા. સમગ્ર સમારોહ સૌહાર્દ, આનંદ અને ગર્વની ભાવનાથી પરિપૂર્ણ રહ્યો.
આ પ્રસંગે રમેશભાઈ પ્રજાપતિ, મહેન્દ્રભાઈ પ્રજાપતિ, વિનુભાઈ પ્રજાપતિ, ડૉ. ધનંજય પ્રજાપતિ, ભાઈલાલભાઈ પ્રજાપતિ, જીતેન્દ્રભાઈ પ્રજાપતિ, આશિષ પ્રજાપતિ, મીહીર પ્રજાપતિ, મીનાબેન પ્રજાપતિ, ગીતાબેન પ્રજાપતિ, વિક્રમસિંહ ઠાકોર, જસુભાઈ પટેલ, સુરપાલસિંહ રાજપુત, સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રજાપતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ