
પાટણ, 26 ઓક્ટોબર (હિ.સ.): લાભ પાંચમના શુભ મુહૂર્તે પાટણ શહેરના વેપારીઓએ પોતાના ધંધા-રોજગારની શરૂઆત કરી, જેથી નૂતન વર્ષના તહેવારો બાદ બજારોમાં ફરી રોનક જોવા મળી. પ્રથમ જ દિવસે લગ્ન સિઝનનો માહોલ હોઈ ગ્રાહકોની સારી અવરજવર રહી અને વેપારીઓએ અપેક્ષા કરતાં વધુ ઘરાકી નોંધાવી.
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નૂતન વર્ષ દરમિયાન વેપારીઓ પાંચ દિવસ દુકાનો બંધ રાખે છે, પરંતુ આ વર્ષે લગ્નસરાની સિઝનને કારણે ઘણા વેપારીઓએ લાભ પાંચમના દિવસે જ પૂજા કરીને દુકાનો ખોલી. કાપડ, જ્વેલર્સ સહિતની દુકાનો ખુલ્લી રહેતાં બજારમાં ચહલપહલ જોવા મળી.
વેપારીઓએ આશા વ્યક્ત કરી કે આ વર્ષે લગ્ન સિઝનની ખરીદી છેલ્લા દોઢ વર્ષની સરખામણીમાં લગભગ ૪૦ ટકા જેટલી વધુ રહેશે. ઘણા વેપારીઓએ બેસતા વર્ષ પછી પણ ધંધો ચાલુ રાખીને વેપારની સતત ગતિ જાળવી રાખી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ