

મહેસાણા, 26 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા-મહેસાણા હાઇવે પર ભાંડુ નજીક નવા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. રસ્તો સંકુચિત થઈ જવાથી ખાસ કરીને તહેવારોના દિવસોમાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
લાભ પાંચમ અને નવા વર્ષની ઉજવણીના અવસરે લોકો મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે, જેના કારણે આ હાઇવે પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. નાના માર્ગમાં મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતાં અનેક સ્થળોએ લાંબા ટ્રાફિક જામ સર્જાઈ રહ્યા છે.
સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે તહેવારોના સમયગાળામાં આ માર્ગ પર પોલીસની વધારાની ડ્યુટી અને ટ્રાફિક મેનેજમેન્ટની જરૂર છે, નહીં તો અકસ્માત અને વિલંબની સ્થિતિ ઊભી થઈ શકે છે.
રસ્તો નાનો હોવાને કારણે ખાસ કરીને બસો અને ટ્રકો માટે પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. વાહનચાલકો ધીમે ચાલતા હોવાથી કલાકો સુધી ટ્રાફિક ફસાઈ રહે છે. લોકોએ તંત્રને વિનંતી કરી છે કે તહેવારોના દિવસોમાં માર્ગ પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી મુસાફરો અને સ્થાનિક લોકોને રાહત મળી રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR