
સુરત, 26 ઓક્ટોબર (હિ.સ.): સુરતના ડિંડોલી વિસ્તારના ભેસ્તાન આવાસમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઝઘડો છોડાવવાની અદાવત રાખીને ત્રણ શખસોએ એક મહિલાની ઘરવખરીની ઝૂંપડી સળગાવી દીધી હતી. આગ દરમિયાન મહિલાની બાળકી ઘરમાં હાજર હતી, પરંતુ મહિલાએ હિંમતપૂર્વક બાળકીને બચાવી બહાર કાઢી હતી.
ડિંડોલી પોલીસ પાસે નોંધાયેલી ફરિયાદ મુજબ ઘટના તા. 24 ઑક્ટોબર, 2025ની રાત્રે આશરે 11:30 વાગ્યે બિલ્ડિંગ નં. A/66 નજીક બની હતી. ફરિયાદી આશ્માબેન ફ્રીદ મોહિનુદ્દીન શેખ (ઉંમર 20)એ જણાવ્યું કે આરોપીઓ શોહેબ ઉર્ફે બાટલી, લાલ અને લામ્બા કોઈ સગીર છોકરાને માર મારી રહ્યા હતા. તે દ્રશ્ય જોઈને આશ્માબેનના બનેવીએ ઝઘડો રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ત્રણેય આરોપીઓ ગુસ્સે થઈને બનેવી પાછળ દોડ્યા.
બનેવીએ પોતાનો જીવ બચાવવા આશ્માબેનના ઘરમાં આશરો લીધો, જેના બદલો લેવા માટે ગુસ્સે ભરાયેલા આરોપીઓએ આશ્માબેનની ઝૂંપડીમાં માચિસની દીવાસળી ફેંકી દીધી. ઝૂંપડીમાં રહેલા લગ્નના ડેકોરેશનનો સામાન, ખુરશીઓ, સોફા અને મંડપ સહિત આશરે ₹20,000નું નુકસાન થયું.
આશ્માબેને જણાવ્યું, “આગ લાગી ત્યારે મારી છોકરી ઘરમાં જ હતી. હું માંડ-માંડ તેને લઈને બહાર નીકળી શકી.”
આગ બાદ આરોપીઓએ ગાળાગાળી કરીને આશ્માબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. હાલ ડિંડોલી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને તેમની ધરપકડ માટે ચક્ર ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે