
અમરેલી, 27 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં એક 12 વર્ષીય વિદ્યાર્થીનીએ વારંવાર થતી છેડતીથી કંટાળી એસિડ પી લેવાનો કૃત્ય કર્યું, જેના કારણે આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
માહિતી મુજબ, આરોપી મુકેશ ભીખા કુડેચા છેલ્લા કેટલાક સમયથી નાબાલિક વિદ્યાર્થીનીને વારંવાર છેડતો હતો. બાળકીના પરિવારજનોએ તેની સામે અગાઉ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આરોપીએ ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કર્યું અને પિતા તથા ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સતત માનસિક ત્રાસ સહન ન કરી શકતા વિદ્યાર્થીનીએ અંતે એસિડ પી લેવાનો પ્રયાસ કર્યો.
પરિવારજનોએ તાત્કાલિક બાળકી ને હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તેની સારવાર ચાલુ છે. આ ઘટનાની ગંભીરતા જોતા સાવરકુંડલા રૂરલ પોલીસ મથકે આરોપી મુકેશ કુડેચા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકો દ્વારા આરોપી સામે કડક પગલાં લેવા માંગણી ઉઠી છે, જ્યારે પોલીસ આરોપી સુધી પહોંચી શકે તે માટે સતત પ્રયત્નશીલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai