

મહેસાણા, 27 ઓક્ટોબર (હિ.સ.): વિસનગર તાલુકાના ભાન્ડુ ગામ નજીક બનેલા કરોડોના ખર્ચના ઓવરબ્રિજ બેસી જવાની ઘટનાએ સ્થાનિક રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટી (AAP)એ રવિવારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચક્કાજામ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પરંતુ પોલીસની કડક કાર્યવાહી વચ્ચે આ કાર્યક્રમ સફળ થઈ શક્યો નહોતો. સવારે વહેલા જ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો અને મોટાપાયે પોલીસ કાફલો તૈનાત કરાયો હતો.
AAPના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરીને બ્રિજ પર ચક્કાજામ કરવા પહોંચે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા સહિત કુલ આઠ કાર્યકરોને ડિટેઇન કરીને વિસનગર તાલુકા પોલીસ મથકે લઈ જવાયા હતા. બાદમાં તમામને તાત્કાલિક છોડવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન કેટલાક કાર્યકરો અને પોલીસ અધિકારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.
AAP દ્વારા આ કાર્યક્રમ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા અને તંત્રને જગાડવા માટે રાખવામાં આવ્યો હતો. પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાન્ડુ બ્રિજના નિર્માણમાં ગુણવત્તા વિહોણા કામના કારણે બ્રિજ ધસી પડ્યો છે, જે પ્રજાના ટેક્સના પૈસાનો ખુલ્લો દુરૂપયોગ છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ આવા બાંધકામની સ્થિતિ અત્યંત નબળી હોવી તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા બતાવે છે.
બીજી તરફ પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પગલાં લેવામાં આવ્યા છે અને કોઈપણ પક્ષને અનધિકૃત રીતે જાહેર માર્ગ અવરોધ કરવાની પરવાનગી આપવામાં આવી નથી. પોલીસના જણાવ્યા મુજબ, ચક્કાજામના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ શકે તેવો ભય હતો, તેથી પૂર્વજોગવાઈરૂપે કાર્યવાહી કરાઈ હતી.
આ ઘટનાએ રાજ્યના વિકાસ કાર્યોના નામે થતા ભ્રષ્ટાચાર અને તેના વિરુદ્ધ રાજકીય પક્ષોના પ્રયાસો પર નવા સવાલો ઉભા કર્યા છે. એક તરફ સરકાર વિકાસની વાત કરે છે, જ્યારે બીજી તરફ ગુણવત્તા વિહોણા પ્રોજેક્ટો સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનો આ વિરોધ કાર્યક્રમ તો નિષ્ફળ રહ્યો, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર વિકાસના નામે થતા ભ્રષ્ટાચારની ચર્ચાને તીવ્ર બનાવી દીધી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR