
જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર સિટી 'એ' પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 74, 75(2) તથા પોક્સો એક્ટની કલમ 8, 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં ફરિયાદીની 4 વર્ષ 2 માસની પુત્રી ભોગ બની હતી. અજાણ્યા વૃદ્ધે બાળકીને રમાડવાના બહાને અડપલા કર્યા હતા. તેમજ ખોળામાં બેસાડી જાતીય સતામણી કરી હતી. ત્યારબાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
પોલીસની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળના તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફૂટેજ તપાસ્યા હતા. સી.સી.ટી.વી. ફૂટેજમાં એક વૃદ્ધ જોવા મળ્યો હતો. આ વર્ણનવાળા માણસની શોધમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. હ્યુમન રિસોર્સના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ નીરુભા સોઢા અને વિપુલભાઈ જગદીશભાઈ સોનગરાને માહિતી મળી હતી કે, ઉપરોક્ત વર્ણનવાળો આરોપી જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થવાનો છે. આ માહિતીના આધારે વોચ ગોઠવી, ઉપરોક્ત વર્ણનવાળા ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો.
પૂછપરછ કરતાં આરોપીનું નામ પ્રકાશદાન ઇશ્વરદાન દેવકા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાના આરોપીને પકડી પાડી પોક્સોનો વણશોધાયેલો ગુનો ડિટેક્ટ કર્યો છે. હાલ આરોપીની વધુ તપાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt