
નવસારી, 27 ઓક્ટોબર (હિ.સ.): વાંસદા તાલુકામાં પોલીસની સંવેદનશીલ કામગીરી ફરી ચર્ચામાં આવી છે. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત વાંસદા પોલીસે કુલ ₹1,36,699ની કિંમતના ચાર ખોવાયેલા મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત આપ્યા છે. આ ત્રીજી વાર છે જ્યારે વાંસદા પોલીસ સ્ટેશન આવા કાર્યક્રમનું આયોજન કરીને ખોવાયેલી વસ્તુઓ લોકો સુધી પહોંચાડવામાં સફળ થયું છે.
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એમ. આહિરના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અનિલ પટેલ, તેમજ સર્વેલન્સ સ્ટાફ નરસિંહા અને સંદીપ નીતિને માનવ સ્રોત અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વિવિધ ગામોમાં તપાસ ચલાવી ખોવાયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતા.
શોધાયેલા ફોનમાં ₹85,000નો iPhone 16 Plus, ₹13,999નો Vivo V285, ₹24,000નો Oppo F25 5G, અને ₹13,700નો Samsung A207 નો સમાવેશ થાય છે — કુલ મળીને રૂ. ₹1,36,699ની કિંમતના ઉપકરણો તેમના મૂળ ધારકોને પરત આપ્યા હતા.
વાંસદા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માલિકોને તેમની વસ્તુઓની ઓળખ કરાવીને સુપ્રત કરવામાં આવી હતી. પોતાના ખોવાયેલા મોબાઈલ પાછા મળતા લોકોમાં આનંદ છવાયો હતો. તેમણે પોલીસની માનવતાભરી અને વિશ્વાસપાત્ર કામગીરીની પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમ માત્ર વસ્તુઓ પરત આપવાનો ઉપક્રમ નથી, પરંતુ નાગરિકો અને પોલીસ વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવતો એક માનવીય પ્રયાસ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે