

મહેસાણા, 27 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા શહેરમાં આજરોજ સવારથી જ વરસાદી માહોલ વચ્ચે મહેસાણા-અમદાવાદ હાઇવે પર આરટીઓ કચેરી બાજુના પુલ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. દિવાળી બાદ આજથી શહેરના બજારો ફરી ખુલતાં જ ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો.
ખાસ કરીને નાગલપુર હાઇવે અને રાધનપુર ચોકડી વિસ્તારમાં વાહનોની લાઈનો લાગી ગઈ હતી. બે અને ચાર પૈકીના વાહનો સાથે મોટા ટ્રક અને બસો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા ટ્રાફિક પોલીસને પણ મુશ્કેલી પડી હતી. વરસાદના કારણે રોડ પર ફિસલણ વધતા વાહનો ધીમા પડ્યા અને જામની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ.
મહેસાણા ટ્રાફિક વિભાગ દ્વારા સ્થિતિ કાબૂમાં લેવા માટે વધારાના સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો કે વરસાદ અને તહેવાર પછીના દિવસોમાં પણ પૂરતી ટ્રાફિક વ્યવસ્થા નહોતી. મહેસાણાના મુખ્ય હાઇવે પર સર્જાયેલો આ જામ ઘણા કલાકો સુધી ચાલ્યો, જેના કારણે મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR