
જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર નજીક ઠેબા ચોકડી પાસે અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી રહે છે, જેનું પુનરાવર્તન ગઈકાલે રવિવારે સાંજે પણ થયું હતું, અને સાંજે 6.00 વાગ્યા બાદ એકાએક ટ્રાફિકજામ થવા લાગ્યો હતો.
ઠેબા ચોકડી પાસે ટ્રાફિક પોલીસ અથવા અન્ય કોઈ પોલીસ કર્મચારીની ટીમ અથવા ટ્રાફિક બ્રિગેડના જવાનો વગેરે કોઈ હાજર ન હોવાના કારણે રોડની ચારેય તરફ વાહનોના થપ્પા લાગી ગયા હતા. એટલું જ માત્ર નહીં કેટલાક વાહન ચાલકો આડેધડ વાહન કાઢવાની પેરવી કરી રહ્યા હોવાના કારણે વધુ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જેથી અનેક ટુ-વ્હીલર, ફોરવીલ તેમજ મોટા હેવી ટ્રક સહિતના અનેક વાહનો અટવાઈ પડ્યા હતા, અને રોડની ચારેય બાજુ લાંબી લાંબી વાહનોની કરતા લાગી ગઈ હતી.
સતત ચાર કલાક સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ રહી હોવાના કારણે અનેક વાહનચાલકો અટવાઈ પડ્યા હતા, અને ભારે દેકારો બોલી ગયો હતો. મોડેથી પોલીસ ટુકડી પ્રગટ થઈ હતી, અને આખરે ધીમે ધીમે વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.
હાલ આ વિસ્તારમાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેની કામગીરી પૂર્ણ થયા બાદ જ આ સમસ્યાનો હલ થઈ શકે તેમ મનાઇ રહ્યું છે. તે દરમિયાન પોલીસ તંત્રએ પૂરતો બંદોબસ્ત જાળવીને ટ્રાફિકને નિયંત્રણમાં લેવો જોઈએ તેવી લોક માગ ઉઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt