
અમરેલી, 27 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખી કહ્યું છે કે, તાજેતરના ભારે વરસાદને કારણે ખેડૂતોએ ભયાનક નુકસાન ભોગવવું પડ્યું છે.
પત્રમાં કસવાલાએ જણાવ્યું છે કે, સોરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક ખેડૂતોએ મગફળી, ડુંગળી, કપાસ, કઠોળ અને અન્ય પાકમાં ગંભીર નુકસાન ભોગવ્યું છે. ખેતરોમાં તણાયેલ પાકને કારણે ખેડૂતોને આર્થિક કષ્ટનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે, રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં લઈને નુકસાનગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવાની વ્યવસ્થા કરે.
ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ ખાસ કરીને અમરેલી જિલ્લાના ખેડૂતોની સ્થિતિને ઉલ્લેખ કરીને જણાવ્યું કે, સરકારની સહાય વિના ખેડૂતોએ પોતાનો પાક સાચવવો મુશ્કેલ બનશે અને આ આર્થિક નુકસાન તેમના માટે વધુ ચિંતાજનક બની રહેશે.
મહેશભાઇ કસવાલાએ જણાવ્યું, “ખેડૂત આપણા પ્રદેશની અર્થવ્યવસ્થાનો પાયો છે. સરકાર તરફથી યોગ્ય વળતર અને સહાય મળી શકે તો તેઓના ઉપજના નુકસાનને પૂરું કરી શકાશે.”
આ પત્ર દ્વારા વળતર અને મદદ માટે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે દબાણ બનાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai