


મહેસાણા, 27 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલું મોઢેરા ગામ આજુબાજુના 20 જેટલા ગામો માટે મુખ્ય ખરીદી અને વહીવટી કેન્દ્ર તરીકે ઓળખાય છે. અંદાજે 7,500 થી 8,000 વસ્તી ધરાવતું આ ગામ દેવીપુજક, પટેલ, ઠાકોર અને દલિત સમાજના લોકોનું સુમેળભર્યું વસવાટ ધરાવે છે.
2019માં શરૂ થયેલી સોલાર ઉર્જા પ્રોજેક્ટની કામગીરી 2022માં પૂર્ણ થતાં ગામના 80 ટકા વિસ્તારો સોલાર ઉર્જાથી પ્રકાશિત થયા છે. જેના કારણે ગામના લોકોને વીજળીના બિલમાંથી રાહત મળી છે. આ ઉપરાંત સરકારી ઈમારતોમાં પણ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે.
ગામના વિકાસ માટે દર વર્ષે આશરે ₹25 થી ₹28 લાખનો ખર્ચ થાય છે. પીવાના પાણી, બ્લોક રસ્તા, આર.સી.સી. રસ્તા અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામમાં પ્રખ્યાત મોઢેરાનું સૂર્યમંદિર તેમજ મોઢેશ્વરી માતંગી માતાજીનું મંદિર આવેલું છે, જે નરેન્દ્ર મોદીના સમાજની કુળદેવી ગણાય છે.
ગામમાં એકથી 12 ધોરણ સુધીની શાળા, દૂધ મંડળી, ત્રણ બેંક, સહકારી મંડળી અને નવીન આરોગ્ય કેન્દ્ર તથા પોલીસ સ્ટેશનનું બાંધકામ ચાલી રહ્યું છે. ગામના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે.
હાલના સરપંચ જતનબેન ભાઈલાલજી ઠાકોરના નેતૃત્વ હેઠળ મોઢેરા ગામ આજે “સૂર્ય ઉર્જાથી સ્વાવલંબન”નું પ્રેરણાદાયી ઉદાહરણ બની ગયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR