
સુરત, 27 ઓક્ટોબર (હિ.સ.): સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં કામદારો માટે શરૂ કરાયેલ ભોજનાલય હવે “ઉદ્યોગકારોની માનવતા”નું જીવંત ઉદાહરણ બની ગયું છે. ગુજરાતમાં આ પ્રથમ એવી જીઆઈડીસી છે, જ્યાં રોજિંદા મજૂરો અને સ્ટાફને માત્ર ₹40માં ગુણવત્તાયુક્ત અને પૌષ્ટિક ભોજન મળી રહ્યું છે.
છ મહિનામાં અંદાજે 3.24 લાખ થાળીઓ પીરસાઈ છે, જે બતાવે છે કે આ યોજના કેટલા કામદારો માટે જીવનદાયી સાબિત થઈ છે. ફક્ત ઓછા ભાવે ભોજન નહીં, પરંતુ તેનાથી રોજગાર કરતા લોકોના જીવનખર્ચમાં રાહત મળી છે. ભોજનાલય ચલાવવા દર મહિને 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન થતું હોવા છતાં ઉદ્યોગકારો આ સેવા અવિરત રાખી રહ્યા છે. તેમનું માનવું છે કે કામદારોને સસ્તું અને ગુણવત્તાયુક્ત ભોજન આપવું એ નફાથી મોટી “સામાજિક જવાબદારી” છે.
કમલ તુલ્સિયાન, પાંડેસરા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કહે છે, “કામદારોને સહારું આપવું એટલે ઉદ્યોગને મજબૂત કરવું. નુકસાન હોવા છતાં આ ભોજનાલય ચાલુ રાખવું એ અમારી ફરજ છે.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે