
સુરત, 27 ઓક્ટોબર (હિ.સ.): દક્ષિણ ગુજરાતના જીવનસ્ત્રોત ઉકાઈ ડેમે તેની ભયજનક સપાટી પાર કરી છે. હાલ ડેમની જળસપાટી 345.02 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે 46,418 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. પાણીનો પ્રવાહ વધી જતા નદી બંને કાંઠે છલકાઈ રહી છે. સુરતમાં તાપી પર આવેલો કોઝવે હાલમાં 7 મીટર પાણીની સપાટી પર પહોંચી ગયો છે, જેના કારણે તંત્રએ અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. હાલ કોઝવે પરથી લગભગ 58,600 ક્યુસેક પાણી નદીમાં વહેતું હોવાનું નોંધાયું છે.
પ્રશાસને નદી કિનારાના રાંદેર, સિંગણપોર, કતારગામ અને જહાંગીરપુરા જેવા નીચાણવાળા વિસ્તારોના લોકોને ચેતવણી આપી છે. નદી કિનારે ન જવા અને ઢોર-ઢાંખર સહિત અન્ય સામાનને સુરક્ષિત સ્થળે ખસેડવાની અપીલ પણ કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ, ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ હજી નિયંત્રિત છે, પરંતુ ઉપરવાસમાં વરસાદ યથાવત રહે તો તાપી નદીના જળસ્તરમાં વધુ વધારો શક્ય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે