

મહેસાણા, 27 ઓક્ટોબર (હિ.સ.): એશિયા ખંડની સૌથી મોટી ઊંઝા એપીએમસી (કૃષિ ઉપજ બજાર સમિતિ) દિવાળીના મીની વેકેશન બાદ સોમવારે ફરી એકવાર વેપારની રોનકથી ગૂંજી ઉઠી છે. સવારથી જ માર્કેટયાર્ડમાં વેપારીઓ, ખેડૂત અને મજૂરોની ચહલપહલ જોવા મળી હતી.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ઊંઝા એપીએમસીમાં 18 ઓક્ટોબર, 2025, શનિવારથી લઈને 26 ઓક્ટોબર, 2025, રવિવાર સુધી હરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. આ વિરામ દરમિયાન માર્કેટયાર્ડમાં સફાઈ અને સુશોભનના કાર્યો પણ હાથ ધરાયા હતા. આ નિર્ણય શ્રી ઊંઝા વેપારી મંડળ અને શ્રી ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનની સંયુક્ત માગણીના આધારે લેવામાં આવ્યો હતો, જેથી તમામ વેપારીઓ અને કર્મચારીઓ પોતાના કુટુંબ સાથે દિવાળીના તહેવારો આનંદપૂર્વક ઉજવી શકે.
આજે સોમવારે સવારે 9:15 કલાકે શુભ મુહૂર્તે હરાજીનું કામકાજ રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. શુભ સમયના આરંભે વેપારીઓએ વિઘ્નહર્તા ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા-અર્ચના કરી પોતાના વેપાર-ધંધાનો શ્રીગણેશ કર્યો હતો. પૂજા પછી હરાજી શરૂ થતાં જ વેપારીઓએ ઉત્સાહપૂર્વક બોલીઓ લગાવી હતી અને માર્કેટયાર્ડમાં ધંધાકીય વાતાવરણ ફરી જીવંત બન્યું હતું.
ખેડૂતો પોતાના વિવિધ કૃષિ પાક જેમ કે જીરૂ, ઇસબગુલ, મેથી અને તલ વગેરેની લિલામી માટે માર્કેટયાર્ડમાં પહોંચ્યા હતા. વેપારીઓએ જણાવ્યું હતું કે તહેવારો બાદના પ્રથમ દિવસે જ સરસ વેપાર શરૂ થયો છે અને ભાવોમાં પણ સ્થિરતા જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR