
જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરના વેપારી પાસેથી નાણાં પડાવતા તથા સાયબરના ગુનાઓ આચરવા બેંકના ખાતા ભાડે આપી, મની લોન્ડરીંગ તેમજ ઈ.ડી.ના કેસમાં ફસાવવાની ધમકી આપવાના ગુનામાં સિન્ડિકેટ ગેંગના ધુ બે શખસોને ઝડપી લેતા ધરપકડનો આંક ત્રણ થયો છે.
શહેરના રણજીતસાગર રોડ, ઈવા પાર્ક-1માં રહેતા ચેતનભાઈ કરશનભાઈ કપુરીયા (ઉ.વ.41) નામના વેપારીનું પ્રગતિ એન્ટરપ્રાઈઝ નામની પેઢીનું એક્સીસ બેન્ક એકાઉન્ટ જે મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એન.સી.સી.આર.પી. અરજીના કામે ફ્રીઝ થયેલ હોય, તેમાં વેપારીના ધંધાકિય લેવડ-દેવડના આશરે રુ.1,44,00,000 જમા હોય તે બાબતેની આરોપીએ વિગતો મેળવીને વર્ચ્યુઅલ નંબર પરથી ફોન કરી પોતાનુ નામ દર્શીત કિશોરભાઈ કાગદડા જણાવ્યું હતું. વેપારીની પ્રગતિ એન્ટરપ્રાઈઝ નામની પેઢીનું એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાની લાલચ આપી અલગ-અલગ વ્યક્તિઓ સાથેના સંબંધની ખોટી ઓળખો આપી અવાર-નવાર વ્હોટએપમાં વાત કરી વેપારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો.
વેપારી આરોપીની વાતમાં ન આવતા તેમની પાસેથી નાણા પડાવવા તેઓને મની લોન્ડરીંગ તેમજ ઈ.ડી.ના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જે અંગેની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ.ધાસુરાએ ટીમ સાથે તપાસ હાથ ધરીને બે દિવસ પહેલા આરોપી દર્શીત કાગદડાને ઝડપીને 5 દિવસના રીમાન્ડ પર લીધો છે.
આ દરમ્યાન આ ગુનામાં અમદાવાદના દુર્ગેશ દેવેન્દ્રકુમાર પુરસોતમભાઈ પંડ્યા અને યોગેશ શાંતીલાલ જીવરામભાઈ જોશીને ઝડપી લઈને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt