
જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગરમાં પરપ્રાંતિય પરિવારો દ્વારા છઠ્ઠ પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યુપી-બિહારના લોકોએ આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહિલાઓએ ચાર દિવસના કઠોર ઉપવાસ બાદ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી.
છઠ્ઠ પૂજા સૂર્યદેવ અને છઠ્ઠી માતાને સમર્પિત એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે દિવાળીના છ દિવસ પછી ઉજવાય છે. આ પર્વમાં વ્રતધારી મહિલાઓ નદીમાં કમર સુધીના પાણીમાં ઉભા રહી સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરે છે. મહિલાઓ 36 કલાકનો નિર્જળા ઉપવાસ રાખી સૂર્યદેવની આરાધના કરે છે.
આ પૂજામાં સૂર્ય, જળ અને વાયુ ત્રણેય તત્વોની આરાધના કરવામાં આવે છે. છઠ્ઠ પૂજા પ્રકૃતિ પ્રત્યે આદર અને કૃતજ્ઞતાનું પ્રતિક છે. સૂર્યદેવને જીવનદાતા અને છઠ્ઠી માતાને બાળકોના રક્ષક દેવી માનવામાં આવે છે. આ તહેવાર સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપે છે.
જામનગરમાં યોજાયેલી આ છઠ્ઠ પૂજામાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ મેયર અને શહેર જિલ્લા ભાજપ પ્રમુખ મીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સહિત અનેક મહાનુભાવો આ ઉત્સવમાં જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt