અમરેલીમાં સતત કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કપાસ, સોયાબીનના પાકને નુકસાન, ખેડૂતોએ સહાયની માગણી કરી
અમરેલી, 28 ઓક્ટોબર (હિ.સ.) : હવામાન ખાતાની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. જિલ્લામાં ખાસ કરીને બગસરા, સાવરકુંડલા, લાઠી અને અમરેલી તાલુકાના વિસ્તારોમાં વરસાદના ઝાપટાઓ પડતા ખેડૂતોના ચહેરા
અમરેલીમાં સતત કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો  કપાસ, સોયાબીનના પાકને નુકસાન, ખેડૂતોએ સહાયની માગણી કરી


અમરેલી, 28 ઓક્ટોબર (હિ.સ.) : હવામાન ખાતાની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. જિલ્લામાં ખાસ કરીને બગસરા, સાવરકુંડલા, લાઠી અને અમરેલી તાલુકાના વિસ્તારોમાં વરસાદના ઝાપટાઓ પડતા ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ છે. કપાસ, મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાક હવે કાપણીના તબક્કે પહોંચી ગયા હતા, પરંતુ અણધાર્યા વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે.

દિવાળીના તહેવારો પૂરા થતા ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચાણ માટે લઈ જવાના હતા. પરંતુ અચાનક પડેલા વરસાદે યાર્ડમાં ભરાવો થતો અટકાવ્યો છે અને ખેતરમાં પડેલો પાક ભીંજાઈ જતાં તેની ગુણવત્તા પર પણ અસર થઈ છે. અનેક જગ્યાએ કપાસના બોલિયા ભીની થઈ જતાં તેમાંથી સડો બેસવા લાગ્યો છે, જ્યારે મગફળીમાં ભેજ વધતાં તેની ચમક અને કીમત બંને ઘટવાની ભીતી વ્યક્ત થઈ રહી છે.

બગસરા તાલુકાના ખેડૂત વિઠ્ઠલભાઈ હિરાણીએ જણાવ્યું કે, “ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની હાલત ખરાબ છે. હવે જો સરકાર સહાય આપે તો જ આગામી રવી સિઝનમાં વાવેતર કરી શકીશું. હાલના વરસાદે જે પાક તૈયાર હતો તેમાં મોટું નુકસાન થયું છે. ખેડૂતો પાસે હવે એક રૂપિયો પણ બાકી રહ્યો નથી.”

બગસરાના સતિષભાઈ ગોયાણીએ જણાવ્યું કે તેમણે 15 વીઘામાં કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા બે દિવસથી પડતા કમોસમી વરસાદને કારણે કપાસ કિલો પડી રહ્યો છે અને તેમાં સડો બેસી ગયો છે. “એક બાજુ મજૂરો ઉપલબ્ધ નથી, બીજી બાજુ પાક ભીંજાઈ જતાં કાપણી પણ થઈ શકતી નથી. કપાસની ગુણવત્તા ઘટી ગઈ છે અને હવે ભાવ પણ ઘટશે તેવો ભય છે

ખેડૂતોને હવે બે રીતે આર્થિક આંચકો લાગી રહ્યો છે એક તો તૈયાર પાકનું નુકસાન, અને બીજું, યાર્ડમાં વેચાણ ન થઈ શકવાને કારણે રોકડ પ્રવાહ અટક્યો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો આગામી વાવેતર માટે જરૂરી રોકાણ કેવી રીતે કરશે તે પ્રશ્ન ઉઠ્યો છે.

સ્થાનિક કૃષિ અધિકારીઓએ પણ પ્રાથમિક સર્વે હાથ ધરીને પાકના નુકસાનનું મૂલ્યાંકન શરૂ કર્યું છે. ખેડૂતો સરકાર પાસે વળતર અને સહાયની તાત્કાલિક જાહેરાત કરવાની માંગ કરી રહ્યા છે.

અમરેલી જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં કપાસ અને મગફળી મુખ્ય આવકના પાક છે. આવા સમયે પડેલા કમોસમી વરસાદે માત્ર પાકને જ નહીં, પણ ખેડૂતોના વિશ્વાસને પણ ભીંજવી દીધો છે. હવે સરકાર તરફથી સહાય અને રાહત યોજનાઓ ઝડપથી અમલમાં આવે તો જ ખેડૂતોને આગામી સિઝનમાં વાવેતર માટે પ્રોત્સાહન મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande