ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે બેઠક યોજતા મંત્રીઓ
ગીર સોમનાથ, 28 ઓક્ટોબર (હિ.સ.): વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ સવારે ગીર સોમનાથના વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતર
વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે બેઠક યોજતા મંત્રીઓ


ગીર સોમનાથ, 28 ઓક્ટોબર (હિ.સ.): વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ સવારે ગીર સોમનાથના વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ નુકશાની અંગેનો ચિતાર મેળવ્યા બાદ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે કૃષિ વિભાગ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ અન્વયે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પાકની પરિસ્થિતિ વિશે ચિતાર આપવામાં આવ્યો હતો. જે અનુસાર જિલ્લામાં ૯૦,૮૩૦ હેક્ટર વિસ્તારમાં મગફળી, ૨૭,૭૬૪ હેક્ટરમાં સોયાબીન ૧૧,૩૬૫ હેક્ટરમાં કપાસ અને ૫૮૦૭ હેક્ટરમાં તુવેરનું વાવેતર કરવામાં આવ્યું છે.

મંત્રીઓ સમક્ષ કૃષિ/બાગાયતી/એકવાર્ષિક પાકો, ૨ હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો, વરસાદ આધારિત વિસ્તાર, સિંચાઈ વાળા વિસ્તાર, સર્વે કરવાની જોગવાઈ, જમીન તથા અન્ય નુકસાન માટે સહાય, કાદવ રેતી દૂર કરવા ડીસલ્ટીંગ, ભૂસ્ખલન નદી માર્ગ ફેરફાર વગેરેના કારણે જમીન નુકસાન, સેટેલાઈટ ઇમેજ આધારે અસરગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી.

વિવિધ વિભાગો પાસેથી બાગાયત અને કૃષિલક્ષી માહિતી મેળવી મંત્રીઓએ કુદરતી આપત્તિઓના કારણે કરવા પડતાં આકસ્મિક પાક નુકસાનીના ડિજિટલ સર્વે અંગેની નવીન બાબતની યોજનાઓના ઠરાવ, ડિજિટલ સર્વેની કામગીરી માટે જરૂર પડે તો અન્ય જિલ્લામાંથી ટીમ બોલાવવા તેમજ અમલીકરણ અંગે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં ચાલું ખરીફ ઋતુના કુલ વાવેતર ૧,૫૩,૨૪૩ હેક્ટરમાં કરાયું છે. ડિઝાસ્ટર વિભાગના આંકડાઓ અનુસાર છેલ્લા ચાર દિવસમાં સૌથી વધારે સૂત્રાપાડામાં ૧૫ ઈંચ, ઉનામાં ૧૦.૫ ઈંચ, વેરાવળમાં ૧૦ ઈંચ, કોડીનારમાં ૮.૫ ઈંચ તેમજ તાલાલા અને ગીરગઢડામાં ૬ ઈંચ વરસાદ વરસ્યો છે.

આ બેઠકમાં સાંસદ રાજેશભાઈ ચૂડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, અગ્રણી ડૉ. સંજયભાઈ પરમાર સહિત ખેતીવાડી, આત્મા પ્રોજેક્ટ, બાગાયત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande