


પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લાના ખેડુતોને મોઢે આવેલો કોળીયો ઝુટવાયો છે. પોરબંદર જિલ્લામા પડેલા કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને ભારે નુકશાન થયુ હોવાનુ જાણાવા મળી રહ્યુ છે. પોરબંદરના બરડા પંથકમાં ખેડુતોએ મગફળીનો પાક લણી લીધો હતો અને મગફળીના પાથરા ખેતરમા પડયા હતા તેવા સમયે જ વરસાદ પડતા આ પાથરા પલળી જતા ખેડુતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
પોરબંદર સહિત રાજયભરમા પડેલા કમોસમી વરસાદને પગલે ખેડુતોની હાલત કફોડી બની છે. પોરબંદર જીલ્લામા પણ સતત બે ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે મગફળીના તૈયાર પાકને નુકશાન થયુ છે, પોરબંદરના બરડા પંથકના બગવદર, ખાંભોદર, કુણવદર તેમજ ભાવપરા, વીસાવાડા, મીંયાણી સહિતના ગામોમા ગત રાત્રીના પડેલા વરસાદને કારણે મગફળીના પાકને નુકશાન થયુ હતુ પોરબંદર જીલ્લામા સૌથી વધારે મગફળીનુ વાવેતર થયુ હતુ આ વર્ષે સારા વરસાદને કારણે મગફળનો પાક પણ સારો થયો હતો પરંતુ પાક તૈયાર કરી અને ખેડુતોએ લણી અને મગફળીના પાથરા ખેતરમા પડયા હતા, તે દરમ્યાન કમોસમી વરસાદ થતા મગફળીના તૈયાર પાકને નુકશાન થયુ હતુ જેના કારણે ખેડુતોની હાલત કફોડી બની હતી મગફળીને નુકશાન થવાની સાથે પશુઓ માટેનો ખોરાક પણ પલળી જતા ખેડુતોની હાલત દયનીય બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya