
અમરેલી, 28 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ના કારણે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. મગફળી, કપાસ, તીલ અને અન્ય પાકોમાં પાણી ભરાવા તથા પાંદડા ઝરી જવાના કારણે ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લીધા છે. તે અંતર્ગત કૃષિ રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લાના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.
મંત્રીએ ખાસ કરીને સાવરકુંડલાના જાબાળ ગામ ખાતેના ખેતરોમાં જઈ પાકને થયેલા નુકસાનનું મેદાની નિરીક્ષણ કર્યું. તેમણે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો, તેમની સમસ્યાઓ સાંભળી અને રાજ્ય સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલા અને સાંસદ ભરત સુતરીયા પણ હાજર રહ્યા હતા. ત્રણેય આગેવાનોએ સાથે મળીને ખેતરોમાં ફરેલા પાણી, નષ્ટ પાક અને ખેડૂતોની હાલતનું અવલોકન કર્યું હતું.
મંત્રી વેકરિયાએ જણાવ્યું કે, સરકાર ખેડૂતોની સાથે છે અને તેમની મુશ્કેલીને હળવી કરવા માટે પૂરતું વળતર અને સહાય પૂરી પાડશે. આ નિરીક્ષણ દરમિયાન વહીવટી અધિકારીઓને તાત્કાલિક સર્વે હાથ ધરીને નુકસાનીનો સચોટ તાગ મેળવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
નિરીક્ષણ પૂર્ણ થયા બાદ મંત્રી વેકરિયા આ સમગ્ર નુકસાનીનો વિગતવાર રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપશે. આ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરશે. તંત્રએ પણ ખાતરી આપી છે કે, ખેડૂતોને યોગ્ય અને ઝડપી સહાય મળે તે માટે પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. અમરેલીના ખેડૂતો હવે સરકાર તરફથી રાહતની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ ફરીથી ખેતીના કાર્યમાં જોડાઈ શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai