
જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) :જામનગર શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસ્યો છે. ગઇકાલે બપોર બાદ અચાનક ભારે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
સોમવારે વહેલી સવારથી જ વાદળિયું વાતાવરણ છવાયેલું હતું. બપોર પછી વરસાદ શરૂ થયો અને એક કલાકમાં કાલાવડમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હાલ પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. વરસાદી પાણી શહેરના મુખ્યમાર્ગો પર ફરી વળ્યા હતા, જેના કારણે વેપારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
જામનગર શહેર ઉપરાંત જામજોધપુર, લાલપુર અને કાલાવડ સહિતના તાલુકાઓમાં પણ કમોસમી માવઠું થયું છે. ખેડૂતોએ પોતાનો પાક ખેતરમાં એકઠો કરી ભેગો કર્યો છે, ત્યારે આ કમોસમી વરસાદથી તેમના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે તેમની ચિંતા સતત વધી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt