
જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં એક દંપતી અને એક શ્રમિકનો સમાવેશ થાય છે. પશુના ચારાને સલામત સ્થળે ખસેડતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ કમોસમી વરસાદને પગલે દંપતી રવજીભાઈ જેસાભાઈ રોલા, ઉંમર વર્ષ-65 તથા તેમના પત્ની સવીતાબેન રવજીભાઈ રોલા, ઉંમર વર્ષ-62 અને એક યુવક બુધ્ધાભાઈ ધીરુભાઈ વાજેલીયા, ઉંમર વર્ષ-25 ઘરની નજીક મગફળીના ભુક્કાને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક વીજ વાયર તૂટીને તેમના પર પડ્યો હતો. જેના કારણે ત્રણેયને વીજ કરંટ લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
આ દુર્ઘટના બનતા જ આસપાસના લોકો ત્યા આવી પહોંચ્યા હતા. ત્રણેય મૃતદેહોને કાલાવડની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. કાલાવડ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં આજે વીજ કરંટની ત્રણના મોત થયા હતા. જેથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt