



મહેસાણા, 28 ઓક્ટોબર (હિ.સ.) : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલું પુંસરી ગામ આજે સમગ્ર ભારત માટે વિકાસનું જીવંત ઉદાહરણ બની ગયું છે. એક સમયનું સામાન્ય ગામ હવે આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીથી સમૃદ્ધ “સ્માર્ટ વિલેજ” તરીકે ઓળખાય છે.
ગામના દૃષ્ટિવંત સરપંચ હિમાંશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પુંસરીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અદભૂત પરિવર્તન જોયું છે. હિમાંશુભાઈનું માનવું છે કે “સરકારની યોજનાઓનો યોગ્ય અમલ અને લોકોની ભાગીદારી — એ જ સાચો વિકાસ છે.”
પુંસરીમાં દરેક ઘરમાં શૌચાલય, શુદ્ધ પીવાનું પાણી, સુચારુ ડ્રેનેજ સિસ્ટમ અને સ્વચ્છ વાતાવરણ છે. શેરીઓમાં એલઇડી લાઇટો લગાવવામાં આવી છે અને આખું ગામ મફત Wi-Fi નેટવર્કથી જોડાયેલું છે. ગામના દરેક ખૂણે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જે સુરક્ષાને મજબૂત બનાવે છે.
શિક્ષણ ક્ષેત્રે પણ પુંસરી આગવું સ્થાન ધરાવે છે. અહીંની શાળાઓમાં એર કન્ડીશન વર્ગખંડો, સ્માર્ટ બોર્ડ, કમ્પ્યુટર લેબ અને ડિજિટલ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળા છોડવાનો દર શૂન્ય ટકા છે, જે ગામની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ટેકનોલોજીનો ઉપયોગ ગામની સૌથી મોટી ઓળખ છે. Wi-Fi અને જાહેર સંબોધન સિસ્ટમ દ્વારા માહિતી દરેક ઘરમાં પહોંચે છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરે છે, ખેડૂતો ખેતીની નવીન માહિતી મેળવે છે અને દુકાનદારો ડિજિટલ પેમેન્ટ કરે છે.
મહિલાઓ માટે સ્વ-સહાય જૂથો દ્વારા રોજગારની તકો ઊભી થઈ છે, જ્યારે યુવાનો માટે ડિજિટલ કૌશલ્યના અભ્યાસથી સ્થાનિક રોજગારીમાં વધારો થયો છે.
સરકાર દ્વારા પુંસરીને “સ્માર્ટ વિલેજ મોડેલ” તરીકે માન્યતા આપવામાં આવી છે. અનેક રાજ્યો તથા વિદેશી પ્રતિનિધિઓ અહીં આવીને આ વિકાસ મોડેલનો અભ્યાસ કરી ચૂક્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR