



સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાર્પણ કરી ડો. વી. નારાયણને વ્યક્ત કર્યા ભાવનાત્મક અનુભવો
સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી વિઝનનું જીવંત પ્રતિકઃ-ડૉ. નારાયણન
અમિત અરોરાએ ડો. વી. નારાયણનને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરી
મહાન સરદારની પ્રતિમા અને મહાન વડાપ્રધાનનું વિઝન ભારતની એકતાનું અખંડ પ્રતિક ઈસરો અધ્યક્ષ
ભરૂચ, 28 ઓક્ટોબર (હિ.સ.) : નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે અંતરિક્ષ કમિશન અને ઈસરોના ચેરમેન ડો. વી. નારાયણનએ મુલાકાત કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે તેમણે આ સ્થળની મુલાકાત લઈ સરદાર સાહેબને નમન કરી તેમના ચરણોમાં પુષ્પાર્પણ કર્યા હતા.
ડો. નારાયણને સરદાર વલ્લભભાઈ પટેલને નમન કરતાં જણાવ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહાન દ્રષ્ટિકોણ અને માર્ગદર્શન હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ આપણા ભારત દેશમાં થયું છે.આ પ્રતિમા આપણા દેશના મહાન પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલજીને સમર્પિત છે, જેના પર દેશનો દરેક નાગરિક ગર્વ અનુભવી શકે છે. પ્રદર્શન ગૃહમાં સરદાર સાહેબના જીવનપ્રસંગો, ભારતના એકીકરણમાં તેમનું યોગદાન અને પ્રતિમાના નિર્માણ વિશેની વિગતવાર માહિતી નિહાળી હતી.
આ પવિત્ર સ્થળે આવીને અત્યંત આનંદિત અને ગૌરવાન્વિત અનુભવું છું.આ સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ હું ફરી એકવાર 100% વિશ્વાસપૂર્વક કહી શકું છું કે વડાપ્રધાનના માર્ગદર્શન અને દિશામાં આપનું ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ એક વિકસિત રાષ્ટ્ર બની જશે એમાં બે મત નથી.અમે, અંતરિક્ષ વિભાગમાં, આ મહાન દ્રષ્ટિકોણને સાકાર કરવા અને આપણા મહાન રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે સતત કાર્યરત છીએ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા દ્વારા ડો. વી. નારાયણનને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરવામાં આવી હતી. મુલાકાત બાદ તેમણે નોધપોથીમાં પોતાના ભાવો વ્યક્ત કરતાં લખ્યું હતું કે આ સ્થળે આવીને મને ભારતની એકતાનો અદભુત અનુભવ થયો છે, મને ગર્વ છે કે હું આ મહાન દ્રષ્ટિકોણનો સાક્ષી બન્યો છું
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ