
પાટણ, 28 ઓક્ટોબર (હિ.સ.) પાટણમાં પરંપરાગત ભગવાન પદ્મનાથનો સપ્તરાત્રી મેળો આ વર્ષે કારતક સુદ ચૌદસથી શરૂ થઈ કારતક વદ પાંચમ સુધી રાત્રે શ્રીહરિની યાદમાં ઉજવાશે. ભગવાન પદ્મનાથને ગોળ અને તલમાંથી બનેલી રેવડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે, જેના કારણે આ મેળો સમગ્ર રાજ્યમાં “રેવડિયા મેળો” તરીકે ઓળખાય છે.
આ વર્ષે પદ્મનાથ ભગવાન વાડી ટ્રસ્ટ દ્વારા અનેક નવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મંદિર પાછળ આવેલા સ્મશાન ભૂમિ વિસ્તારમાં પાર્કિંગની સુવિધા ગોઠવવામાં આવી છે અને 20 વર્ષ બાદ મંદિર પરિસરમાં શરણાઈ વાદન તથા નગરાનું આયોજન કરાયું છે. મેળા દરમિયાન ફાયરબ્રિગેડની ટીમ ખડેપગે રહેશે જેથી સુરક્ષા સુનિશ્ચિત રહે.શ્રદ્ધાળુઓ માટે આરસના પથ્થરની બેઠક વ્યવસ્થા, લાઈટ ડેકોરેશન સાથે 100 જેટલા એલોઝન, તેમજ મંદિરના દર્શન માટે બે એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે. મેળામાં 126 જેટલા ખાણીપીણીના સ્ટોલોની હરાજી કરવામાં આવી છે. આ મંદિર ભારતભરનું એકમાત્ર સ્થાન છે, જ્યાં 33 કોટી દેવતાઓ, 88 હજાર ઋષિમુનિઓ અને 56 કોટી યાદવો માટીના ક્યારા સ્વરૂપે બિરાજમાન છે.પદ્મનાથ ભગવાન વાડીના ટ્રસ્ટી યશપાલ સ્વામીએ જણાવ્યું કે, પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન પદ્મનાથના સપ્તરાત્રી મેળામાં સાત ફેરાનું વિશેષ મહત્વ રહેલું છે. પ્રથમ દિવસે નવદંપતિઓ રાતે દીવા કરી સાત ફેરા ફરે છે, જ્યારે ભક્તો માનતા સ્વરૂપે દીવા પ્રગટાવતા વાડીએ જાય છે. અહીં નિરંજન નિરાકાર જ્યોત સ્વરૂપ ચાર દિવ્ય રેવડી પ્રગટે છે, જે ભક્તિ અને પરંપરાનો જીવંત પ્રતિક છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ