




જીવનમાં શાંતિ જોઈએ તો શ્રીમદ્દ ભાગવત અને શ્રી ગીતાનો સત્સંગ કરવો જોઈએ
કલયુગમાં આપણા સારા અને ખરાબ ગુણોનું મિશ્રણ થઈ ગયું છે
પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર અને સનાતન હિન્દુ ધર્મ ભરૂચના ગાદીપતિ સોમદાસ બાપુ પધાર્યા હતા
યુવાનો પબજી સાથે ન બેસો બાપજી સાથે બેસો સાધુ, સંતો અને ગુરુજનો સાથે બેસો રમેશભાઈ ઓઝા
ભરૂચ, 28 ઓક્ટોબર (હિ.સ.): વાલિયા ખાતે ચોથા દિવસની ભાગવત કથામાં રમેશભાઈ ઓઝાએ રાજા પરીક્ષિતના પ્રસંગો અને પ્રહલાદના પ્રસંગો તેમજ ભગવાન શ્રીકૃષ્ણના જન્મનું નાટ્યાત્મક રૂપાંતર પણ કરવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં ખૂબ જ સુંદર કીર્તન અને નર્તન કર્યું સૌ ભક્તો ભાવવિભોર થયા. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ધૂન સાથે કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી કરી આજની કથાને વિરામ આપ્યો હતો.આજે રાત્રે ભવ્ય ડાયરો યોજાશે જેમાં જાણીતા કલાકાર દેવાયત ખાવડ, સાંઈરામ દવે અને નારાયણ ઠાકર બોલાવશે ભજનોની રમઝટ.
આપણા વિચારો આપણું વર્તન બને છે. ખરાબ વિચારોથી દૂર રહો. ખરાબ વિચારો જ અપરાધ કરાવે છે. વિચારો ઉચ્ચ રાખવા અને નીતિ, રીતિ અને પ્રીતિથી જીવન જીવવું. ભગવાનની ભક્તિ ડરથી ન કરો, ભગવાનને પ્રેમથી ભજો. જેમ શબરીએ શ્રીરામને, મીરાંબાઈ અને શ્રી કૃષ્ણને ભજયા એમ પ્રેમથી ભજો.
રાવણ મહા તપસ્વી હતો. તેથી તેને સિદ્ધિ પ્રાપ્ત થઈ, સોનાની લંકા મળી ,પરંતુ તેના જીવનમાં ત્યાગ ન હોવાથી તેને શાંતિ ન મળી. મનુષ્યના જીવનમાં તપની સાથે ત્યાગ હોવો જરૂરી છે. શરીરનું અભિમાન છોડો, ત્યાગો. આપણું શરીર તો ભાડાનું મકાન છે. દેહ તો નાશવંત છે. મનુષ્યનું શરીર મહાન નથી, મનુષ્યત્વ મહાન છે. શ્રેષ્ઠ સમાજ બનાવવા શ્રેષ્ઠ મનુષ્યત્વ હોવું જરૂરી છે. સમાજ હંમેશા શ્રેષ્ઠનું આચરણ કરી રહ્યો છે. સમાજ જેનું આચરણ કરી રહ્યો છે તેવા સમાજના આગેવાનોએ શ્રેષ્ઠ જીવન જીવવું જોઈએ, અનુકરણીય જીવન જીવવું જોઈએ, સમાજના આગેવાનોનું વર્તન અને વિચાર શ્રેષ્ઠ હોવા જોઈએ. માતા અને પિતાના વિચાર, વર્તન અને વલણો પણ શ્રેષ્ઠ હોવા જોઈએ. કારણ કે બાળકો માતા પિતાનું અનુકરણ સૌથી પહેલા કરે છે.
સર્વધર્મ સમભાવ રાખવા અને પાખંડીઓ અને ધર્મ પરિવર્તન કરનારાઓથી ચેતવા પણ જણાવ્યું હતું, આપણે જેમ આપણું બ્લડ ગ્રુપ બદલી શકતા નથી, તેમ આપણે ધર્મ પણ બદલવો જોઈએ નહીં. ધર્મને છોડવાથી અનેક સમસ્યા ઉત્પન્ન થાય છે. ધર્મમાં માણસને કન્વર્ટ કરવાનો નથી, કન્વીન્સ કરવાનો છે. વિશ્વનો શ્રેષ્ઠ સનાતન હિંદુ ધર્મ માનવ કલ્યાણ માટે અને આધ્યાત્મિક પ્રગતિ માટે છે.જાતિવાદ, પ્રાંતવાદ ભાષાવાદ, છોડો ઊંચ-નીચના ભેદોને છોડો, સમાજની કોઈપણ જાતિ ખોટી નથી. જાતિવાદ ખોટો છે. સમાજનો કોઈ વર્ગ ખોટો નથી. વર્ગ માટે વર્ગવાદ ખોટો છે. દરેક જાતિ અને વર્ગના લોકો પોતાના સ્થાન ઉપર શ્રેષ્ઠ છે. સમાજના વિકાસ અને પ્રગતિ માટે શરીરના અંગો હૃદય, ફેફસા, કિડની સમગ્ર અંગો એકબીજા સાથે તાલ મિલાવી, હળી -મળી જેમ કામ કરી રહ્યા છે, તેમ સમાજના બધા જ જાતિ વર્ગના લોકોએ હળી- મળીને સમરસતાથી કાર્ય કરવું જોઈએ.
આપણે આપણા ધર્મ શાસ્ત્રોને વાંચવા જોઈએ, અને તેને વિજ્ઞાનની દ્રષ્ટિથી પણ સમજવા જોઈએ. આપણા ધર્મના શ્રેષ્ઠ ગ્રંથો માત્ર ખરીદી લેવાથી કે પૂજા કરવાથી લાભ થવાનો નથી, આ ભવરોગ એ મહારોગ છે. અને મહારોગ થયો હોય ત્યારે શાસ્ત્રોકત દવાઓનું સેવન કરવું ફરજિયાત છે.
શ્રીમદ્દ ભાગવતએ પરમ સત્ય પરમાત્માની કથા છે. જીવનમાં શાંતિ જોઈએ તો શ્રીમદ ભાગવત અને શ્રીમદ ગીતાનો સત્સંગ કરો. પ્રસંગ અનુરૂપ કલયુગનું વર્ણન કરતા, કલયુગ જેમાં નિવાસ કરે છે, એવા નવ સ્થાનો દર્શાવી, અધર્મ, લોભ- લાલચ, જેવા સ્થાનોથી દૂર રહેવા જણાવ્યું હતું. કલયુગમાં આપણા સારા અને ખરાબ ગુણોનું મિશ્રણ થઈ ગયું છે. અને તેથી મનુષ્ય દાન તો કરે છે પરંતુ હરામની કમાણી છોડી શકતો નથી. ત્યાગ તો કરે છે પણ ભોગ છોડી શકતો નથી. કલિયુગના વિસ્તારને રોકવાનું કામ રાજ સત્તાનું છે.સમાજના યુવાઓને ખોખલા બનાવી રહેલા પબજી જેવી રમતો યુવાનોનો સમય અને યુવાનના વિચારોને ખરાબ કરી રહ્યો છે. યુવાનો પબજી સાથે ન બેસો બાપજી સાથે બેસો સાધુ, સંતો અને ગુરુજનો સાથે બેસો.
આજની કથામાં રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર તેમજ સનાતન હિન્દુ ધર્મ ભરૂચના ગાદીપતિ સોમદાસ બાપુ પધાર્યા હતા. અન્ય સંતગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. કથા શ્રવણ માટે ભાવિક ભક્તોની મોટી મેદની ઉમટી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ