
પાટણ, 28 ઓક્ટોબર (હિ.સ.) રાધનપુર તાલુકાના મહાજંવાડા પાસેના પરા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય વિઠ્ઠલ ખેમાભાઈ મકવાણાનું તળાવમાં ડૂબી જવાથી દુર્ભાગ્યે મોત થયું છે. વિઠ્ઠલભાઈ મજૂરીનું કામ કરતા હતા અને તેમની માનસિક સ્થિતિ અસ્થિર હતી.
મૃતકના ભાઈ ગિરીશ મકવાણાના જણાવ્યા મુજબ, વિઠ્ઠલભાઈ ઘણીવાર કોઈને પૂછ્યા વગર ઘરેથી નીકળી જતા હતા. બે દિવસ પહેલા પણ તેઓ ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારબાદ રવીધામ નજીકના તળાવમાં પાણી પીવા ગયા હતા.ત્યાં અચાનક તેમનો પગ લપસી જતા તેઓ તળાવમાં પડી ગયા અને ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ