
પાટણ, 29 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના વ્યાજબી ભાવની દુકાન (FPS) સંચાલકોએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ ન સંતોષાતા ૧ નવેમ્બરથી અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. સંચાલકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને તાત્કાલિક પગલાં લેવા અલ્ટીમેટમ આપ્યો છે.
એફ.પી.એસ. એસોસિએશને જણાવ્યું કે વર્ષોથી કમિશનમાં વધારો, સમયસર ચુકવણી, ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ, તથા બાયોમેટ્રિક વેરિફિકેશન અને પ્રોફાઈલ સહાય જેવા મુદ્દે અનેક રજૂઆતો છતાં ઉકેલ આવ્યો નથી. જો સરકાર તાત્કાલિક પગલાં નહીં લે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને નવેમ્બર માસથી અનાજ વિતરણ પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રાખશે.
જિલ્લા પ્રમુખ તળજાભાઈ દેસાઈએ જણાવ્યું કે, જિલ્લાની ૫૦૪ દુકાનો આ આંદોલનમાં જોડાશે. હાલ સુધી કોઈ સંચાલકે નવેમ્બર માસ માટે ચલણ જનરેટ કર્યું નથી અને તેઓ તેમ કરવાના નથી. આવેદનપત્ર સુપરત કરતી વખતે અનેક દુકાનદારો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ