
સુરત, 29 ઓક્ટોબર (હિ.સ.) : સુરતના વરાછા વિસ્તારમાં નકલી તમાકુ અને પાન-મસાલાના જથ્થાનો મોટો ભંડાફોડ થયો છે. નેહરુનગર ઝૂંપડપટ્ટીના એક ગોડાઉનમાં પોલીસે ઓચિંતા દરોડો પાડી લગભગ 29.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન જણાયું કે બ્રાન્ડેડ નામોના દુરુપયોગથી સસ્તા અને ક્ષતિકારક ઉત્પાદનોનું ઉત્પાદન અને વિતરણ અહીંથી થતું હતું.
SOGને મળેલી ગુપ્ત માહિતી બાદ પોલીસે મોનિટરિંગ શરૂ કર્યો અને ત્યારબાદ ગોડાઉન પર કાર્યવાહી કરવામાં આવી. સ્થળ પરથી ‘મારુતિ ગોલ્ડ’, ‘MGT’ અને અન્ય લોકપ્રિય બ્રાન્ડના નામે બનાવેલા હજારો પેકેટ જપ્ત કરાયા. કુલ 10,200 પેકેટ મારુતિ ગોલ્ડ પાન-મસાલા, તેવી જ સંખ્યામાં MGT ચ્યૂઇંગ તમાકુ અને અન્ય બ્રાન્ડના પેકેટ મળી આવ્યા.
પોલીસે જણાવ્યું કે આ સ્થળ કોઈ સત્તાવાર ફેક્ટરી નહીં પરંતુ ઝૂંપડપટ્ટીમાં આવેલી નાની જગ્યા હતી, જેનાથી લાગી રહ્યું છે કે આવા ઉત્પાદનોના વિતરકો ગરીબ વિસ્તારોનો ઉપયોગ કરી રહ્યા છે. માણસોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને એવા માલનું ઉત્પાદન થતું હોવાનું જણાતા પોલીસે આગળ વધુ પુરાવા એકત્ર કરવાની સાથે સપ્લાય ચેન અંગે તપાસ શરૂ કરી છે.
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ જથ્થો શહેરમાં વિવિધ સ્થળોએ પહોંચતો હોવાની સંભાવના છે. આ પ્રકરણમાં સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. રેડ બાદ શહેરમાં નકલી તમાકુ-પાન મસાલાના નેટવર્કમાં ચિંતાનો માહોલ જોવા મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે