ભાવનગર રેલવે મંડળના કર્મચારીઓએ મુસાફરનો ભૂલથી છૂટી ગયેલું લેપટોપ સુરક્ષિત રીતે પરત આપ્યું
ભાવનગર, 29 ઓક્ટોબર (હિ.સ.): પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના કર્મચારીઓ પોતાના સન્માનિત મુસાફરોની સહાય માટે સદૈવ તત્પર રહે છે. આ પ્રતિબદ્ધતાનું એક ઉત્તમ ઉદાહરણ વેરાવળ સ્ટેશન પર જોવા મળ્યું, જ્યાં એક મુસાફરનો લેપટોપ ધરાવતો બેગ ભૂલથી રહી ગયો હતો, જેને રેલવ
ભાવનગર રેલવે મંડળના કર્મચારીઓ


ભાવનગર, 29 ઓક્ટોબર (હિ.સ.): પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના કર્મચારીઓ પોતાના સન્માનિત મુસાફરોની સહાય માટે સદૈવ તત્પર રહે છે. આ પ્રતિબદ્ધતાનું એક ઉત્તમ ઉદાહરણ વેરાવળ સ્ટેશન પર જોવા મળ્યું, જ્યાં એક મુસાફરનો લેપટોપ ધરાવતો બેગ ભૂલથી રહી ગયો હતો, જેને રેલવે કર્મચારીઓએ ઈમાનદારી અને જવાબદારીપૂર્વક સુરક્ષિત રાખી મુસાફરને પરત આપ્યો હતો.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે લગભગ એક અઠવાડિયા પહેલા વેરાવળ સ્ટેશન પર એક લાવારિસ બેગ એક રેલવે કર્મચારીને મળી આવી હતી. કર્મચારી દ્વારા સતર્કતા દાખવી બેગને સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટના કાર્યાલયમાં જમા કરાવવામાં આવી. તપાસ દરમિયાન બેગમાં લેપટોપ મળ્યો. વધુ તપાસ કરતા તેમાં એક સંપર્ક નંબર મળ્યો, જેમાં સંપર્ક કરતાં મુસાફરે પોતાની ભૂલ સ્વીકારી અને રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો. મુસાફર, જે રાજસ્થાનના રહેવાસી છે, તેમણે પરત ફરતી વખતે બેગ મેળવવાની વિનંતી કરી અને રેલવેને તે સુરક્ષિત રાખવા વિનંતી કરી. મુસાફરની સુવિધાને ધ્યાનમાં રાખીને બેગને સ્ટેશન પર સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો. તા. 28 ઓક્ટોબર, 2025 (મંગળવાર)ના રોજ સંબંધિત મુસાફર વેરાવળ સ્ટેશન પર પહોંચ્યા બાદ જરૂરી ચકાસણી અને પૂછપરછ પછી લેપટોપ ધરાવતો બેગ તેમને પરત આપવામાં આવ્યો.

લેપટોપ સુરક્ષિત રીતે મેળવ્યા બાદ મુસાફરે રેલવે પ્રશાસન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને સંબંધિત તમામ કર્મચારીઓનો આભાર માન્યો. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ આ સરાહનીય કાર્ય માટે સંબંધિત કર્મચારીઓને અભિનંદન આપ્યા અને જણાવ્યું કે આ કાર્ય ભારતીય રેલની ઈમાનદારી, જવાબદારી અને મુસાફર સેવા ભાવનાનું પ્રતિબિંબ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande