ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો પાંચમો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો
ગાંધીનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપનાવેલા નાગરિક દેવો ભવ - સિટિઝન ફર્સ્ટના અભિગમને રાજ્યમાં ડિજિટલ ગુડ ગવર્નન્સથી સાકાર કરીને વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાત @ 2047થી નવો અધ્યાય રચવાનો ધ્યેય
ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો પાંચમો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો


ગાંધીનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપનાવેલા નાગરિક દેવો ભવ - સિટિઝન ફર્સ્ટના અભિગમને રાજ્યમાં ડિજિટલ ગુડ ગવર્નન્સથી સાકાર કરીને વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાત @ 2047થી નવો અધ્યાય રચવાનો ધ્યેય રાખ્યો છે.

આ હેતુસર મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ.હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે.

આ પંચ-GARCએ અત્યાર સુધીમાં રાજ્ય સરકારને ચાર ભલામણ અહેવાલો સોપ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને GARC દ્વારા 12 જેટલી મુખ્ય ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો પાંચમો ભલામણ અહેવાલ બુધવારે સુપ્રત કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા નાગરિક કેન્દ્રિત સેવાઓ સરળ, સુગમ અને સામાન્યમાં સામાન્ય માનવીની પહોંચ સુધી વિસ્તારવાનો વિચાર દેશને આપ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોપવામાં આવેલા GARCના પાંચમાં અહેવાલમાં આ વિચારને સુસંગત વિઝન “એક રાજ્ય - એક પોર્ટલ”થી અપનાવવાની ભલામણો કરવામાં આવી છે.

ગુડ ગવર્નન્સના મોડલ સ્ટેટની ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતમાં દરેક નાગરિકને એક જ ડિજિટલ ઇન્ટરફેસથી તમામ સરકારી સેવાઓ એક જ ક્લિકમાં ઉપલબ્ધ કરાવીને ‘ગવર્નમેન્ટ એટ ધ ડોર સ્ટેપ ઓફ સીટીઝન’નો મંત્ર સાકાર કરવાની દિશામાં આ અહેવાલને મહત્વપૂર્ણ બનાવવાનો ઉદેશ્ય રાખવામાં આવ્યો છે.

સિંગલ સાઈન ઓન સિસ્ટમ-SSO દ્વારા નાગરિકોને તમામ સેવાઓ એક જ યુઝર આઇ.ડી.ના માધ્યમથી મળે, એક જ વાર ભરવામાં આવેલી માહિતીને આધાર કે ડિજીલોકર સેવા સાથે જોડીને વિવિધ સેવાઓ માટેનો આપમેળે ઉપયોગ થાય તેવી વ્યવસ્થાઓ વિકસાવવાની પણ ભલામણ GARCના આ પાંચમાં અહેવાલમાં સૂચવવામાં આવી છે.

આના પરિણામે લોકોને જુદી જુદી સરકારી સેવાઓ મેળવવા માટે વારંવાર માહિતી આપવામાંથી છુટકારો મળે અને “એકવાર માહિતી આપો - વારંવાર લાભ મેળવો”નો ધ્યેય પાર પડે તેવી વ્યવસ્થાની પણ અહેવાલમાં ભલામણ થઈ છે.

GARCના આ પાંચમાં ભલામણ અહેવાલની મુખ્ય બાબત ડિજિટલ ગુજરાત 2.0 પોર્ટલ વિકસાવવા માટેની છે. આના પરિણામે કાર્ય પ્રણાલી સંપૂર્ણ રીતે ડિજિટલ થશે અને સરકાર તથા નાગરિકો વચ્ચેનો સંવાદ સુગમ બનશે.

એટલું જ નહીં, અરજીઓની રાહ જોવાને બદલે નાગરિકોની જરૂરિયાતોનું પૂર્વાનુમાન કરી શકાય તથા સ્માર્ટ એલર્ટ સિસ્ટમ દ્વારા નાગરિકોને તેમની યોગ્યતા મુજબ સામાજિક કલ્યાણ યોજનાઓ અને લાઇફસાયકલ આધારિત માર્ગદર્શન આપીને સક્રિય, નાગરિક-કેન્દ્રિત સેવા વિતરણ અમલમાં લાવવામાં આવે તેવું પણ આ અહેવાલમાં સૂચવવામાં આવેલુ છે.

આ અહેવાલમાં પંચે મુખ્ય નાગરિક સેવાઓ માટે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ વર્કફ્લોની ભલામણ કરેલી છે. અરજીઓ, મંજૂરીઓ અને સ્ટેટસ અપડેટ્સ રિયલ ટાઇમમાં ઉપલબ્ધ થાય તેવી પારદર્શકતા, ઝડપ અને જવાબદારી વધે તથા એક પ્રમાણિત ફોર્મ અપનાવીને અનાવશ્યક દસ્તાવેજો અને સ્ટેમ્પ દૂર કરીને “લેસ પેપર-મોર ફેસેલિટીઝ”નું સ્વપ્ન સાકાર થાય તે દિશામાં પણ રાજ્ય સરકારને GARC દ્વારા સૂઝાવો આપવામાં આવ્યા છે.

રાજ્યના તમામ જનસેવા કેન્દ્રો (JSK)ને આધુનિક બનાવવા, સેવાઓ મેળવવા માટેના પ્રતિક્ષા સમયમા ઘટાડો, દરેક જનસેવા કેન્દ્રોમાં માર્ગદર્શન ડેસ્ક ઉભી કરવી અને નાગરિક-મૈત્રીપૂર્ણ વાતાવરણ ઉભુ કરવામાં આવે તેથી સરકારના સિટીઝન ફર્સ્ટ ના અભિગમને અનુરૂપ નાગરિકોનો સરકાર સાથેનો અનુભવ વધુ સુખદ બને તે માટેની ભલામણો GARCએ કરી છે.

ગ્રામીણ વિસ્તારોમાં Village Computer Entrepreneurs (VCEs)ની ભૂમિકા મજબૂત બનાવવામાં આવે અને શહેરી વિસ્તારોમાં ઝોન-વાઇઝ સેવા વિતરણ માટે Public-Private Partnership (PPP)ના માધ્યમથી વધુ કાર્યક્ષમ અને ઝડપી સેવાઓ મળી રહે તે મુજબની ભલામણ પણ કરવામાં આવી છે.

પંચે રાઇટ ટૂ સિટીઝન પબ્લિક સર્વિસ એક્ટ અંતર્ગત નાગરિક ચાર્ટરના નિયમિત ઓડિટ અને અપડેટ માટે માળખાકીય પ્રક્રિયા સુચવેલી છે. તે સાથે જ જનસેવા કેન્દ્રોમાં વધારાની સ્ટાફ પોઝિશનો, કર્મચારીઓ માટે તાલીમ અને નાગરિક સેવાના કલાકોમાં સ્પષ્ટતા જેવી તમામ ભલામણોથી લોકોને “Ease of Governance” મળે તેવું લક્ષ્ય GARCના પાંચમાં ભલામણ અહેવાલમાં સમાવિષ્ટ છે.

પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ કહ્યુ કે, આ અહેવાલ માત્ર ટેક્નોલોજી નહીં પરંતુ સુશાસનની એવી નવી સંસ્કૃતિ છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નાગરિક દેવો ભવના વિચાર સાથે નાગરિક સ્વયં કેન્દ્રસ્થાને રહેશે. આ પહેલ ગુજરાતને ડિજિટલ સુશાસનના નવા યુગમાં લઈ જશે તથા “સરકાર પહોંચશે નાગરિક સુધી, નાગરિક નહીં સરકાર સુધી!” ના મંત્ર સાથે નાગરિક સેવામાં ક્રાંતિ તરફ ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હરણફાળ ભરશે.

મુખ્યમંત્રીને GARCનો આ પાંચમો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો તે અવસરે મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠૌર, વહિવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવ હારિત શુક્લા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને GARCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GARCના પાંચમાં અહેવાલની આ ભલામણો GARCની વેબસાઇટ https://garcguj.in/resources ઉપર અપલોડ કરવામાં આવેલી છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande