
ભાવનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળમાં “સતર્કતાઃ આપણી સંયુક્ત જવાબદારી” (Vigilance: Our Shared Responsibility) થીમ સાથે સતર્કતા જાગરૂકતા સપ્તાહની શરૂઆત કરવામાં આવી. આ સપ્તાહ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2025 સુધી ઉજવાશે. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને રેલવે કર્મચારીઓમાં સત્યનિષ્ઠા, ઈમાનદારી અને પારદર્શિતાના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગનએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સત્યનિષ્ઠાની પ્રતિજ્ઞા અપાવી. તેમણે હાજર તમામને પોતાના કાર્યમાં નિષ્ઠા, પારદર્શિતા અને કાયદાના નિયમોના પાલનનો સંકલ્પ કરાવ્યો.
આ અવસરે મંડળ કચેરીના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. સપ્તાહ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો, નિબંધ સ્પર્ધા, વ્યાખ્યાન, સેમિનાર તેમજ ડિજિટલ માધ્યમ દ્વારા સતર્કતાના સંદેશોનું પ્રસારણ કરવામાં આવશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક નાગરિક અને કર્મચારીમાં આ ભાવના જગાવાનો છે કે સતર્કતા માત્ર એક વિભાગની નહીં પરંતુ આપણી સૌની સંયુક્ત જવાબદારી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ