
પાટણ, 29 ઓક્ટોબર (હિ.સ.) પાટણ શહેરમાં નર્મદા કેનાલ આધારિત સુજલામ સુફલામ યોજનાના પાણી પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે. ખોરસમ પંપિંગ સ્ટેશન આગળ નર્મદા કેનાલનો મુખ્ય વાલ્વ તૂટી જતાં સિદ્ધી સરોવરમાં પાણી આવતું બંધ થઈ ગયું છે, જેના કારણે શહેરના પાણી પુરવઠા પર સીધી અસર પડી છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે તૂટેલા વાલ્વના રીપેરિંગનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પાણીનો જથ્થો ઓછો ઉપલબ્ધ હોવાથી આગામી બે દિવસ સુધી શહેરના લોકોને માત્ર એક ટાઈમ જ પાણી આપવામાં આવશે.
ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, મેઈન વાલ્વનું રીપેરિંગ કાર્ય પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે. નાગરિકોને આ સમયગાળા દરમિયાન પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ