
નવસારી, 29 ઓક્ટોબર (હિ.સ.): નવસારી પાસે હાઈવેની બાજુએ આવેલી વર્ષોથી બંધ પડેલી 'મહા આશા રાઈસ મિલ'માંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો છે. સ્થળની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, પોલીસે પ્રાથમિક રીતે શંકા વ્યક્ત કરી છે કે મહિલાનાં દુષ્કર્મ બાદ હત્યા થઈ હોઈ શકે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસ શરૂ થઈ છે.
માહિતી મુજબ, એક સ્થાનિક વ્યક્તિ ત્યાં લઘુશંકા માટે ગયો ત્યારે લોહીલુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ જોઈ પોલીસને જાણ કરી. મૃતકની ઉમર અંદાજે 35 થી 40 વર્ષ વચ્ચે હોવાનું જણાય છે. શરૂઆતની તપાસ મુજબ ઘટના છેલ્લા એક-બે દિવસની અંદર બની હોવાની સંભાવના છે. મૃતક મહિલાના ઓળખ નિષ્ણાતો દ્વારા જાણી શકાય તે માટે પ્રયાસ ચાલુ છે.
પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ મળ્યા પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો (AD) નોંધી પ્રક્રિયા હાથ ધરી છે અને પેનલ પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી કરી રહી છે.
પુલિસ અધિકારીઓએ જણાવ્યું કે મિલ લગભગ બે દાયકાથી બંધ પડી છે અને જગ્યા વિરાન હોવાથી અહીં આવી ઘટના બનવાની શક્યતા છે. આગળની કાર્યવાહી PM રિપોર્ટના આધારે થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે