સુરત શહેર અને જિલ્લામાં 1962 કરૂણા એનિમલ હેલ્પલાઈન થકી 3,08,383 અબોલ જીવોને જીવનદાન મળ્યુ
સુરત, 3 ઓક્ટોબર (હિ.સ.) દર વર્ષે 4 ઓક્ટોબરના દિવસે ‘વિશ્વ પ્રાણી દિવસ’ મનાવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ પશુઓ પ્રત્યે ક્રુરતા, પશુ અધિકારોનું ઉલ્લંઘન વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર લોકજાગૃતિ ફેલાવવાનો છે. પ્રથમવાર વિશ્વ પશુ દિવસનું આ
અબોલ જીવોને જીવનદાન મળ્યુ


સુરત, 3 ઓક્ટોબર (હિ.સ.) દર વર્ષે 4 ઓક્ટોબરના દિવસે ‘વિશ્વ પ્રાણી દિવસ’ મનાવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ પશુઓ પ્રત્યે ક્રુરતા, પશુ અધિકારોનું ઉલ્લંઘન વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર લોકજાગૃતિ ફેલાવવાનો છે.

પ્રથમવાર વિશ્વ પશુ દિવસનું આયોજન હેનરિક જિમરમને 24 માર્ચ, 1925ના રોજ જર્મનીનાં બર્લિનમાં આવેલા સ્પોર્ટ્સ પેલેસમાં કર્યું હતું, પરંતુ વર્ષ 1929થી આ દિવસ 4 ઑક્ટોબરનાં રોજ મનાવવામાં આવ્યો. શરૂઆતમાં આ આંદોલનને જર્મનીમાં શરૂ કરવામાં આવ્યું અને ધીમે-ધીમે તે સમગ્ર વિશ્વમાં ફેલાયું. વર્ષ ૧૯૩૧માં ફ્લોરેન્સ, ઇટલીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પશુ સંરક્ષણ સંમેલને આંતરરાષ્ટ્રીય પશુ દિવસ તરીકે તા.૪ઑક્ટોબરનો દિવસ નક્કી કરવા માટે એક પ્રસ્તાવ પસાર કર્યો અને મંજૂર કર્યો. યુનાઇટેડ નેશન્સે 'પશુ કલ્યાણ પર એક સાર્વભૌમ ઘોષણા'ના નિયમ તેમજ નિર્દેશો હેઠળ અનેક અભિયાન ચલાવવાની શરૂઆત કરી.

ગુજરાત રાજ્યમાં ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોની સંખ્યા વિશાળ છે, તેથી રાજ્ય સરકાર પ્રાણી કલ્યાણ માટે ખાસ પ્રયત્નશીલ છે. પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ સહિતના કાયદાઓ અમલમાં મૂકાઈ રહ્યા છે. ઉપરાંત પ્રાણીઓમાં થતા ખરવામોવાસા ગળસુંઢો, ગાંઠિયો તાવ, એન્થ્રેક્ષ, એન્ટ્રોકસીમિયા જેવા રોગો સામે વ્યાપક રસીકરણ અભિયાન, જરૂરી શસ્ત્રક્રિયાઓ, બાહ્ય પરોપજીવી નિયંત્રણ તથા લોહી, દૂધ, પેશાબ અને ગોબરના નમૂનાઓની તપાસ દ્વારા રોગનિદાન કરવામાં આવે છે.

આ ઉપરાંત પ્રાણી કલ્યાણ માટે રાજ્ય સરકારે ઈમરજન્સી સેવાઓની અસરકારક વ્યવસ્થા ઊભી કરી છે. જેમ માનવ માટે 108 સેવા છે, તેમ અબોલ પશુઓ માટે 1962 કરૂણા એનિમલ હેલ્પલાઈન અને મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી સેવાઓ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં વર્ષ 2017થી ત્રણ એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેણે અત્યાર સુધી 93,507 પશુઓને સારવાર સાથે જીવ બચાવવાનું કાર્ય કર્યું છે, જ્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 2020થી 11 મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી કાર્યરત છે, જેણે અત્યાર સુધી 2,15,331 પશુઓની સારવાર કરી છે. આમ, સુરત શહેર અને જિલ્લામાં મળી કુલ 3,08,838 અબોલ જીવોને સારવાર સાથે જીવનદાન આપવાનું કાર્ય કરવામાં આવ્યું છે.

વિશ્વ પ્રાણી દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ અબોલ જીવો પ્રત્યેની સંવેદના અને કરૂણાને જીવનમાં ઉતારવાનો સંકલ્પ છે. રાજ્ય સરકાર, પશુપાલન વિભાગ અને GVK જેવી સંસ્થાઓના સંકલિત પ્રયાસોથી ગુજરાતમાં પ્રાણી કલ્યાણનું એક નવું માપદંડ ઊભું થયું છે. “અબોલ જીવોની સેવા એટલે જ સાચું માનવત્વ” આ સંદેશ જ આજે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.

સુરત જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડો.મયુર ભિમાણી જણાવ્યું હતુ કે, વિશ્વ પ્રાણી દિવસ એ પ્રાણીઓ પ્રત્યેની આપણી જવાબદારીને યાદ કરવાની ખાસ તક છે. પ્રાણીઓ આપણા પર્યાવરણ અને અર્થતંત્ર માટે એટલા જ અગત્યના છે, જેટલા તેઓ આપણા દૈનિક જીવનને સમૃદ્ધ બનાવવામાં છે. તેમના આરોગ્ય, સંરક્ષણ અને સન્માન જાળવવું દરેકનું નૈતિક કર્તવ્ય છે.”

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande