વલસાડ/દમણ, 3 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત એ.ટી.એસ.એ ગુરુવારે દમણ અને વાપીમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મેફેડ્રોન (MD) બનાવતી ફેક્ટરીનો ભંડાફોડ કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન કુલ 5.9 કિલો મેફેડ્રોન (સોલિડ તથા લીક્વીડ) સહિત આશરે ₹30 કરોડની કિમંતનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.
એ.ટી.એસ.ને નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌહાણને ગુપ્ત માહિતી મળી હતી કે, વાપીના ચલા રોડ પાસે અને દમણના બામણપજાઉ વિસ્તારમાં ફાર્મહાઉસમાં ગેરકાયદે મેફેડ્રોન બનાવાતું હતું. ટેક્નિકલ રિસોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા જાણકારીની ખાતરી કર્યા બાદ વલસાડ એસ.ઓ.જી. અને દમણ પોલીસના સહયોગથી ટીમે છાપો માર્યો હતો.
રેડ દરમ્યાન પકડાયેલ મુદ્દામાલમાં –
5.9 કિલો મેફેડ્રોન (MD) – અંદાજીત બજાર કિંમત ₹30 કરોડ
300 કિલો રો-મટિરિયલ
ગ્રાઇન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર સહિતના કેમિકલ એપેરેટસ
આ કાર્યવાહી દરમ્યાન મોહન નારાયણલાલ પાલીવાલ (રહે. તપોવન-2, ચલા, વાપી)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપી મેહુલ રાજનેતસિંહ ઠાકુર અને ધવવેક રાય ફરાર છે.
આરોપીઓની પૃષ્ઠભૂમિ
મોહન પાલીવાલ અગાઉ પણ NDPS હેઠળના 2 કેસોમાં ઝડપાયો હતો તથા પેરોલ જમ્પ કરી ફરાર હતો.
ત્રણેય આરોપીઓ છેલ્લા 3-4 મહિનાથી દમણના બામણપજાઉ ખાતે ફાર્મહાઉસમાં મેફેડ્રોન તૈયાર કરી વાપીના ચલા વિસ્તારમાં વેચાણ કરતા હતા.
એ.ટી.એસ.એ જણાવ્યું કે આરોપીઓ દ્વારા બનેલા ડ્રગ્સ કયા-કયા નેટવર્કમાં વેચાયા છે અને પાછળ અન્ય કોણ લોકો સામેલ છે તેની તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે