મહેસાણા, 3 ઓક્ટોબર (હિ.સ.) આજ રોજ મહેસાણા ઘટક–3ના અનેક ગામોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ખાસ કરીને સામાજિક અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ગામજનોને *“સ્વસ્થ નારી – સ્વસ્થ પરિવાર”*ના સૂત્ર સાથે સ્ત્રીઓના આરોગ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું. મહિલાઓ તંદુરસ્ત રહેશે તો પરિવાર અને આખું ગામ સ્વસ્થ રહેશે તેવો સંદેશ આપવામાં આવ્યો.
આ સાથે કુપોષણ સામે લડવા માટે પોષણયુક્ત આહાર લેવાની માહિતી આપવામાં આવી. બાળકોમાં કુપોષણ ન ફેલાય તે માટે શાળા અને આંગણવાડી સ્તરે પોષણ કાર્યક્રમો અમલમાં લાવવાના મુદ્દાઓ ચર્ચાયા. સ્વચ્છતા અંગે ગ્રામજનોએ ખાસ રસ દાખવ્યો, જેમાં કચરો યોગ્ય રીતે નિકાલ કરવો, શુદ્ધ પાણી પીવું અને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા સૌની સહભાગિતા જરૂરી હોવાનું નિરૂપણ કરાયું.
ગ્રામસભામાં બાળલગ્ન પ્રતિબંધ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી. ઓછા વયે લગ્ન કરવાના દોષપ્રભાવ અને તેના કારણે થતા આરોગ્ય તેમજ સામાજિક પ્રશ્નોની સમજણ અપાઈ.
આ અવસરે સરકારી અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી ગામજનોને વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા અને સૌને આ મુદ્દાઓમાં સક્રિય સહયોગ આપવા અપીલ કરી. આ ગ્રામસભા સમાજને આરોગ્યપ્રેમી, જાગૃત અને પ્રગતિશીલ બનાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR