જામનગર, 3 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગર તાલુકાના ખીજડીયા ગામે ગ્રામજનો માટે અગત્યના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી પટેલે રૂ. 30.86 લાખના ખર્ચે નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર અને રૂ. પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલ પેવર બ્લોકના કામનું લોકાર્પણ કર્યું હતું. આમ, કુલ રૂપિયા 35 લાખથી વધુના ખર્ચે થયેલા વિકાસના કાર્યો ગ્રામજનોને સમર્પિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સરકારની પ્રાથમિકતા ગ્રામજનોના નાનામાં નાના પ્રશ્નોનો પણ સંતોષકારક ઉકેલ લાવવાની છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે ગ્રામીણ વિકાસને લગતી અનેક નવી યોજનાઓ અમલમાં મૂકી છે અને સ્થાનિક પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ પણ લાવ્યો છે.તેમણે ખેડૂતો અને પશુપાલકોને સરકારની વિવિધ યોજનાઓનો પૂરેપૂરો લાભ મળી રહે તે માટેના નક્કર આયોજન પર ભાર મૂક્યો હતો. તેમણે ગ્રામજનોને સરકારની વધુમાં વધુ યોજનાઓના લાભો મેળવવા માટે જાગૃત થવા અને પાણીના મહત્વને ધ્યાનમાં રાખીને વરસાદના ટીપે-ટીપાનો સંગ્રહ કરવા માટે પણ આહવાન કર્યું હતું.આ પ્રસંગે અગ્રણી આગેવાનો ડો. વિનુભાઈ ભંડેરી, કુમારપાલસિંહ રાણા, નરેન્દ્રસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, મોહનભાઇ, અને સરપંચ ગીતાબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt