હારીજ તાલુકાના બોરતવાડામાં જોગણી માતાજીનો રથયાત્રા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો
પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.): હારીજ તાલુકાના બોરતવાડા ગામે આસો વદ નોમના દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ ચાંદીથી શણગારેલ જોગણીમાતાજીનો રથ ગામમાં પરિભ્રમણ માટે નીકળ્યો હતો. દેવધર બ્રહ્માણી માતાજી મંદિરેથી ઉપાસક ઠાકોર ગોવિંદભાઈ ભુવાજીના હસ્તે રથનું પ્રયાણ કરવામ
હારીજ તાલુકાના બોરતવાડામાં જોગણી માતાજીનો રથયાત્રા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો


પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.): હારીજ તાલુકાના બોરતવાડા ગામે આસો વદ નોમના દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ ચાંદીથી શણગારેલ જોગણીમાતાજીનો રથ ગામમાં પરિભ્રમણ માટે નીકળ્યો હતો. દેવધર બ્રહ્માણી માતાજી મંદિરેથી ઉપાસક ઠાકોર ગોવિંદભાઈ ભુવાજીના હસ્તે રથનું પ્રયાણ કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના તાલે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઇ માતાજીના રથના વધામણા કરીને દર્શન તથા આરાધનાનો લાભ લીધો હતો.

રથ ગામની પરિક્રમા કરીને જોગણીમાતાજીના મંદિરે પહોંચ્યો હતો. ત્યારબાદ મહાપ્રસાદ વિતરણ સાથે માતાજીના દર્શન કરવામાં આવ્યા હતા. આ પાવન અવસરે જલિયાણ ગ્રુપ પરિવાર તથા દાનવીર ભામાશાઓ મિતેશભાઈ ઠક્કર અને શૈલેષભાઈ ઠક્કર દ્વારા માતાજીના સેવાકાર્ય માટે રૂપિયા ૫૪,૦૦૦ નું ભેટદાન અર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા તેમનું કુમકુમ તિલક, શાલ ઓઢાડી અને ઢોલ-નગારા સાથે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગે હારીજના પી.આઈ. નીરવ શાહે પણ માતાજીના રથના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. બોરતવાડાના સેવાભાવી માઈ ભક્ત ભગાજી ઠાકોરે મિતેશભાઈ ઠક્કરને સાફો પહેરાવી અને તલવાર ભેટમાં આપી સન્માનિત કર્યા હતા. ઉપરાંત, હારીજથી પધારેલા મહેમાનો, કોર્પોરેટરો અને અગ્રણીઓનું પણ ગ્રામજનોએ સન્માન કરીને સમાજમાં એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande