સરસ્વતી તાલુકાના ઓઢવા ગામમાં નવરાત્રીમાં પ્રસાદ બાબતે છરીથી હુમલો, ત્રણ સામે ફરિયાદ
પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.) પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઓઢવા ગામમાં નવરાત્રી દરમિયાન પ્રસાદ બાબતે થયેલી બોલાચાલી બાદ એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ શખ્સોએ મળીને નાગરભાઈ કાનજીભાઈ પરમાર (ઉમર 50, હાલ નિવાસી અમદાવાદ, મૂળ ઓઢવા)
સરસ્વતી તાલુકાના  ઓઢવા ગામમાં નવરાત્રીમાં પ્રસાદ બાબતે છરીથી હુમલો, ત્રણ સામે ફરિયાદ


પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.) પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઓઢવા ગામમાં નવરાત્રી દરમિયાન પ્રસાદ બાબતે થયેલી બોલાચાલી બાદ એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ શખ્સોએ મળીને નાગરભાઈ કાનજીભાઈ પરમાર (ઉમર 50, હાલ નિવાસી અમદાવાદ, મૂળ ઓઢવા) પર હુમલો કર્યો હતો અને તેમની ગાડીના કાચ તોડી નુક્સાન પણ પહોંચાડ્યું હતું.

ફરિયાદ અનુસાર, નાગરભાઈ નવરાત્રીના ગરબા જોવા પોતાના વતન ઓઢવા ગામે આવ્યા હતા. ગરબા જોઈને પ્રસાદ લઈ નીકળતી વખતે પરમાર મંગાભાઈ નટવરભાઈ, પુનાઈ નટવરભાઈ અને હિરન હસમુખભાઈ (ત્રણેય રહે. ઓઢવા) સાથે પ્રસાદ બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડા દરમિયાન મંગાભાઈએ તું પ્રસાદ લાવ્યો છે? કહી છરી વડે હુમલો કર્યો હતો, જેમાં નાગરભાઈના જમણા હાથ પર ઈજા થઈ હતી.

પછી પુનાભાઈએ મંગાભાઈનું ઉપરાણું લઈ ફરિયાદીને ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. ઝઘડામાં વચ્ચે પડેલી સાક્ષી દક્ષાબેનને પણ આરોપીઓએ વાળ પકડીને ખેંચી હતી. ગુસ્સે ભરાયેલા ત્રણેય શખ્સોએ નાગરભાઈની GJ 18 AM 7274 નંબરની અલ્ટ્રો ગાડીના કાચ તોડી નુક્સાન કર્યું હતું.

આ સમગ્ર ઘટનામાં ત્રણેય આરોપીઓએ એકબીજાને સહાય કરી અને હથિયાર સાથે હલ્લો ચલાવતાં હથિયારબંધી જાહેરનામાનો પણ ભંગ કર્યો હતો. નાગરભાઈ પરમારની ફરિયાદના આધારે સરસ્વતી તાલુકા પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande