પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.) પાટણ તાલુકા પોલીસે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ અને બીયર ઘુસાડવાનું મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે અશોક લેલેન્ડ ટ્રેઇલર (RJ-27-GB-8010) અને મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલા (GJ-24-V-8992)માંથી કુલ ₹37,06,288/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂ, બીયર તેમજ બંને વાહનો સહિતનો આ જથ્થો પોલીસ માટે મોટી સફળતા ગણાઈ રહી છે.
પોલીસની ગાડીની લાઈટના અજવાળાને કારણે બંને વાહનના ચાલકો તથા એક અજાણ્યો શખ્સ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા. તમામ આરોપીઓએ મળીને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂ હેરાફેરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પાટણ તાલુકા પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે ટ્રેઇલરમાંથી વિદેશી દારૂની 180 મિલીની કુલ 3984 બોટલો (કિંમત ₹9,96,528/-) અને પીકઅપ ડાલામાંથી 500 મિલીના બીયરના કુલ 912 ટીન (કિંમત ₹2,09,760/-) મળી કુલ 4896 નંગ બોટલો તથા ટીન કબજે કર્યા છે. બંને વાહનો વિના પાસ-પરમિટ સાથે દારૂ ભરેલા હાલતમાં ઝડપાયા હતા.
ટ્રેઇલર ગાડીની કિંમત ₹20,00,000/- અને પીકઅપ ડાલાની કિંમત ₹5,00,000/- બંને વાહનો પણ કબજે લેવામાં આવ્યા છે. દારૂ, બીયર અને વાહનો સહિત કુલ ₹37,06,288/- નો મુદ્દામાલ જપ્ત થયો છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે તીવ્ર તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ