જામનગર, 3 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી રાત્રિના સમયે મેઘસવારી અવિરત ચાલુ રહી છે, અને ગઈકાલે રાત્રે પણ સમગ્ર જિલ્લામાં અડધાથી પોણા બે ઇંચ વરસાદ પડી જતાં નવરાત્રી મહોત્સવના આયોજનમાં મેઘરાજાનું વિઘ્ન અવિરત ચાલુ રહ્યું છે, અને દાંડિયા ખેલૈયાઓની નિરાશા જનક પુર્ણાહુતી થઈ છે.
જામનગર શહેરમાં ગુરુવારે સવારે વરસાદી વાતાવરણ બનેલું રહયા બાદ બપોરે 12.30 વાગ્યે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોકે 10 મિનિટ બાદ રોકાઈ ગયો હતો. ત્યાર પછી સાંજના સમયે છુટા છવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. પરંતુ રાત્રીના દાંડિયારાસ મહોત્સવના અંતિમ દિવસે એટલે કે દશેરાના દિવસે પણ મેઘરાજાની એન્ટ્રી શરૂ થઈ હતી.
રાત્રિના પોણા દસ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી છુટાછવાયા વરસાદી ઝાપટાં વીરત ચાલુ રહ્યા હતા, જેના કારણે અનેક દાંડિયા મહોત્સવના આયોજનો રદ કરવા પડ્યા હતા, અથવા તો એપાર્ટમેન્ટના પાર્કિંગ સહિતના સ્થળોએ દાંડિયા રાસના કાર્યક્રમ યોજીને સમગ્ર રાસ મહોત્સવની પૂર્ણાહુતિ કરી લેવામાં આવી હતી. જોકે કેટલાક દાંડિયા ખેલૈયાઓએ વધારાના દિવસોમાં દાંડિયા રાસના કાર્યક્રમો યોજીને પુર્ણાહુતી કરવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. એકંદરે નવરાત્રીના છેલ્લા પાંચ દિવસો દરમિયાન રાત્રિના સમયે પડી રહેલા વરસાદના કારણે દાંડિયા મહોત્સવની રંગત આ વખતે સાવ ફીકી બની હતી, અને દાંડિયારાસ મહોત્સવની પૂર્ણાહુતિ કરી લેવામાં આવી છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન અડધો ઇંચ વરસાદ, જ્યારે જોડિયામાં 26 મી.મી. ધ્રોળમાં 16 મી.મી., કાલાવડમાં 15 મી.મી. અને જામજોધપુરમાં 38 મી.મી. વરસાદ નોંધાયો હતો. ગઈકાલે પડેલા વરસાદના કારણે જામનગરના અનેક ડેમોમાં પાણીની આવક થઈ છે, જયારે કેટલાક ડેમના પાટિયા ખોલીને પાણી છોડવાનો વારો આવ્યો છે.
ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જામનગર તાલુકાના બાણુંગારમાં 40 મી.મી. વરસાદ નોંધાયો હતો. તે જ રીતે જાલિયા દેવાણીમાં 37 મી.મી. જામજોધપુરના ધૂનડામાં 40 મી.મી. ધ્રાફામાં 45 મી.મી. જ્યારે અન્ય તાલુકાઓમાં અડધાથી દોઢ ઇંચ જેવો છુટો છવાયો વરસાદ નોંધાયો છે. આજે પણ વાતાવરણ બનેલું છે, અને વાદળના આટા ફેરા થઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt