પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણમાં શૈક્ષણિક વિકાસ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા MBA વિભાગમાં બે, કેમિસ્ટ્રી વિભાગમાં બે અને અંગ્રેજી વિભાગમાં એક મળી કુલ પાંચ કાયમી આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ ભરવાની મંજૂરી અપાઈ છે. આથી યુનિવર્સિટીમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે.
યુનિવર્સિટીમાં દિવાળી પછી ગુજરાતી ભાષા ભવન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કાયદા અનુસ્નાતક વિભાગ જ્યાં હાલ કાર્યરત છે ત્યાં આ ભવન શરૂ થશે, જ્યારે કાયદા વિભાગને એમ.એડ વિભાગની જગ્યા પર ખસેડવામાં આવશે. તેમાં મૂક કોર્ટનું આયોજન પણ થવાનું છે. ભાષાપ્રેમીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગ હવે પૂર્ણ થવાની છે.
સાથે સાથે ગાય આધારિત ખેતી અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી દ્વારા નવી પહેલ હાથ ધરવામાં આવી છે. 4 ઓક્ટોબરના રોજ ગૌવિશ્વ વિદ્યાલય, ગાંધીનગર અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે MOU કરવામાં આવશે. આ સમારંભ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે બપોરે 12 વાગે યોજાશે, જેમાં પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથરીયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ